પાલનપુર શહેરના ડેરી રોડ વિસ્તારમાં ગોવિંદા સ્કૂલ નજીક એક હિટ એન્ડ રનની ઘટનામાં બેફામ ગતિએ આવી રહેલી અજાણી કારે વૃદ્ધાને અને માસૂમ બાળકને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 6 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી પ્રાથમિક વિગતો અનુસાર પાલનપુરના ડેરી રોડ નજીકથી પસાર થઈ રહેલા વૃદ્ધા શારદાબેન ડાહ્યાભાઈ ઓડ અને અંદાજિત 6 વર્ષીય બાળક અલ્પેશ મહેશભાઈ ઓડને અજાણી કારના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત નજરે જોનારા એક વ્યક્તિએ જણાવ્યા અનુસાર અકસ્માત કરનાર કાર ચાલક એટલી બેફામ ગતિએ હતો કે જેને રોડ પર વૃદ્ધા અને બાળકને અડફેટે લઈને કોમ્પલેક્ષના દુકાનદારના મુકેલા બોર્ડ અને આગળ ઉભેલ એક ગાડીને પણ અડફેટે લીધી હતી અને અકસ્માત કરનાર કાર ચાલકે પોતાની ગાડીમાં અકસ્માતમાં ઘવાયેલ વૃદ્ધા અને બાળકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. આ અકસ્માતમાં માસુમ અલ્પેશ મહેશભાઈ ઓડનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે શારદાબેન ડાહ્યાભાઈ ઓડને ગંભીર ઈજાઓ થતાં બંનેને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. હોસ્પિટલ ખાતે મૃતક બાળકના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે શોક અને ગમગીની છવાઈ ગઈ છે. પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલનપુરના ડેરી રોડ ઉપર ગોવિંદા સ્કુલની નજીક જ હિટ એન્ડ રનની ઘટનામાં બાળકે જીવ ગુમાવવો પડયો હતો. જો કે અકસ્માત થયો તે સમયે શાળા ચાલુ હોય રોડ પર વાહન વ્યવહાર ઓછો હતો પરંતુ શાળા ચાલુ થવાના કે છુટવાના સમયે આ પ્રકારની ઘટના સર્જાઈ હોત તો મોટી દુર્ઘટના બની હોત. અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરના ડેરી રોડ વિસ્તાર દિવસ-રાત ભારે વાહનવ્યહાર ધરાવતો માર્ગ ગણાય છે. આ માર્ગ પર આવેલી ગોવિંદા શાળા આગળ આજે પણ કોઈપણ પ્રકારના સ્પીડ બ્રેકર કે અન્ય ટ્રાફિક નિયંત્રણની સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક રહીશોમાં અકસ્માતની ભીતિ સતત જોવા મળી રહી છે. વળી ડેરી રોડની બંને બાજુ અનેક રહેણાંક સોસાયટીઓ આવેલી છે ઉપરાંત બનાસડેરી સહિત વિવિધ સરકાર અને ખાનગી સંસ્થાઓ, વેપારી એકમો તેમજ રહેણાંક વિસ્તારને જોડતો આ માર્ગ ચોવીસે કલાક વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. ખાસ કરીને શાળા શરૂ અને શાળા છુટવાના સમયે નાના બાળકોને રોડ ક્રોસ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોમાં રાવ ઉઠી છે કે આ રોડ ઉપર અનેક વખત અકસ્માત થવાની નોબત સર્જાઈ ચુકી છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર, ઝેબ્રા ક્રોસિંગ, ચેતવણીના બોર્ડ કે અન્ય જરૂરી ટ્રાફિક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
