બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી પ્રકાશમણીજીની પૂણ્યતિથિ નિમિત્તે વિશ્વ બંધુત્વ દિવસ સંદર્ભે 8મી આંતરરાષ્ટ્રીય હાફ મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે 6 વાગ્યે તળેટી સ્થિત મનમોહિની વનથી પ્રારંભ થયેલી 21.01 કિલોમીટરની દોડમાં 12 દેશના આશરે 4 હજારથી વધુ મહિલા અને પુરુષ દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પહાડોને માપતાં પોતાનો દમખમ બતાવ્યો હતો. બ્રહ્માકુમારીઝ સંસ્થાનના બી.કે.કરૂણભાઈ સહિતના અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી આપીને મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
મેરેથોન દોડ તળેટી મનમોહિનીવનથી શરૂ થઈને વાઘનાળા, છીપાબેરી, સાતઘૂમ, આરણા, માઉન્ટઆબુ પ્રવેશદ્વાર, ગોમુખ ચોક, બસ સ્ટેન્ડ, રોટરી સર્કલ, ચાચા મ્યુઝિયમ ચોક, આંબેડકર ચોક, નક્કી માર્કેટ, ભારત માતા નમનસ્થળ અને દાદી પ્રકાશમણિ માર્ગ થઈને સંસ્થાનના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય પાંડવ ભવન સ્થિત ઓમ શાંતિ ભવન ખાતે સંપન્ન થઈ હતી. માર્ગમાં વિવિધ સંગઠનો દ્વારા દોડવીરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મેરેથોનના મુખ્ય વર્ગોમાં પુરુષ વર્ગમાં જોધપુરના દેવારામે 1 કલાક 19 મિનિટ પ6 સેકન્ડ સાથે પ્રથમ, જેસલમેરના જુહાર સિંહે 1 કલાક ર1 મિનિટ 1ર સેકન્ડ સાથે બીજું અને જોધપુરના મુકેશકુમારે 1 કલાક ર1 મિનિટ 3ર સેકન્ડ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અને મહિલા વર્ગમાં ઉત્તરપ્રદેશની અર્પિતા સૈનીએ 1 કલાક 47 મિનિટ 14 સેકન્ડ સાથે પ્રથમ, ઉદયપુરની સુનિતા કુમારે ગુર્જરે 1 કલાક પ7 મિનિટ 48 સેકન્ડ સાથે બીજું તથા અમદાવાદની કિરણ પટેલે ર કલાક 30 સેકન્ડ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પુરુષ માસ્ટર વર્ગમાં કુન્નુરના નાગેશ પવારે પ્રથમ, ભરત ભુષણે બીજું, દેહરાદુનના અર્જુન પ્રધાને ત્રીજું. મહિલા માસ્ટર વર્ગમાં સુરતની રતના મહેતાએ પ્રથમ, દિલ્હીની જયંતી થપલિચાલે દ્ધિતીય, દિલ્હીની આશા મનરાલે તૃતીય સ્થાન હાંસિલ કર્યું . વેટરન પુરુષ વર્ગમાં ગાઝિયાબાદના મહિપાલસિંહે પ્રથમ, મહારાષ્ટ્રના કેશવ મોટેએ બીજું, દેહરાદુનના મુકેશ રાણાએ ત્રીજું, વેટરન મહિલા વર્ગમાં જલગાંવની વિદ્યા પુરષોતમે પ્રથમ, દિલ્હીની કૃષ્ણાએ બીજું અને મુંબઈની સ્મિથા મુર્તિએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. સ્પર્ધા પૂર્ણ થયા બાદ ઓમ શાંતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં પોલીસ નાયબ અધિક્ષક બ્રિજેશ કુમાર જાટવ, સીઆરપીએફ કમાન્ડન્ટ મહેન્દ્ર કુમાર, થાણા અધિકારી દલપતસિંહ રાઠોડ તેમજ સંસ્થાનના સંયુક્ત મુખ્ય પ્રશાસિકા સુરેશ દીદી, રાજયોગિની પ્રભાદીદી, અતિરિક્ત મહાસચિવ બીકે મૃત્યુંજય અને સચિવ ર્ડા. પ્રતાપ મિઢ્ઢા સહિતના મહાનુભાવો દ્વારા વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા.
