પાલનપુર - આબુહાઈવે પર ચિત્રાસણી અને અમીરગઢ વચ્ચે આવેલા બાલારામ બ્રિજ પર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ટ્રેલરને ભારે નુકશાન થયું હતું ત્યારબાદ પાછળથી આવી રહેલી અન્ય બે ટ્રેક અને એક આઈસર પણ તેની સાથે ટકરાઈ હતી. આ અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિકમાં ઉભેલી એક અર્તીગા ગાડીને પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે ટક્કર મારી હતી. જેને કારણે અર્તીગા ગાડીનો ખુડદો બોલી ગયો હતો. 


જો કે નસીબજોગે તેમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાની ટળી હતી પરંતુ આ જ અકસ્માત દરમ્યાન ટ્રેલરની અડફેટમાં આવેલી એક ઈકો ગાડીમાં સવાર મહિલા તારાકુમારી જૈનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં 4 ટ્રક અને 3 નાના વાહનો સહિત મોટાભાગના વાહનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. ગમખ્વાર અકસ્માત જોતા મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી હતી પરંતુ સદ્દનસીબે અન્ય લોકોને માત્ર સામાન્ય ઈજાઓ જ થઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ, નેશનલ હાઈવે ઓથોરીટી અને 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ તેમજ રાહત કામગીરી હાથ ધરી હતી. 

પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પી.એમ. માટે ખસેડી, કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ એમ્બ્યુલન્સ મારફતે રાજસ્થાનના જોધપુર મોકલી આપ્યો હતો. એકસાથે 9 વાહનો હાઈવે પર અકસ્માત થવાના કારણે પાલનપુર - આબુહાઈવે પર આશરે 10 કિ.મી. જેટલો લાંબો વાહનોનો ખડકલો થઈ ગયો હતો. આ ભારે ટ્રાફિકજામના કારણે વાહનચાલકો કલાકો સુધી મુશ્કેલીમાં મુકાયા હતા. પોલીસે ક્રેન અને અન્ય સાધનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી હાઈવે ખુલ્લો કરાવવાની કામગીરી કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: