વડગામ તાલુકાના તેનીવાડા ગામમાં સર્જાયેલી જૂથ અથડામણમાં સામસામે પથ્થરમારો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. તેના મામલે છાપી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મામલો થાળે પાડયો હતો. જોકે આ બાબતે પોલીસે સામસામે 24 વિરૂદ્ધ ગુનો નોંધી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને તેમાં અત્યાર સુધીમાં 12 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા તેનીવાડા ગામમાં રસ્તે ચાલવા બાબતે થયેલી બાબતમાં મામલો વણસ્યો હતો અને ગામમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સામસામે મારામારી પર બે જૂથ ઉતરી પડયા હતા અને આખરે પથ્થર મારીના બનાવ બન્યો હતો. આમ સામાન્ય બાબતમાં મામલો બિચક્યો હતો અને ગામમાં તંગદિલી સર્જાઈ હતી. તેના કારણે ગામમાં વધુ કોઈ અનિચ્છિનિય બનાવ ન બને તે માટે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મામલો થાળે પાડયો હતો અને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જો કે પોલીસે આ મામલે બંને પક્ષની ફરીયાદો નોંધી છે જેમાં એક પક્ષે 13 વ્યક્તિઓ અને બીજા પક્ષે 11 વ્યક્તિઓ આમ કુલ 24 વ્યક્તિઓ વિરૂદ્ધ નામજોગ ફરીયાદ નોંધાવવામાં આવી છે તે ઉપરાંત અન્ય ટોળામાં આવેલા ઈસમો આમ કુલ 50થી વધુ લોકો સામે ગુનો નોંધાયો હોવાનું જાણવા મળેલ છે. આમ હવે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને માથાભારે તત્વોને નિયંત્રણમાં લેવા માટે પોલીસે કમરકસી છે.
