પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા આકેસણ તરફના અંડરપાસ પાસે અચાનક મસમોટો ખાડો કરી દેવાના કારણે અહિં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી અને અકસ્માત થવાની સંભાવનાને પગલે શહેરીજનોમાં રોષ ભભુકી ઉઠયો હતો. જો કે આ બાબતે નગરપાલિકા તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાઈ અને છેવટે પોલીસને બોલાવી અને ટ્રાફીકની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.અને આ રસ્તો બંધ કરી દેવાતા હવે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને હાલાકી થશે. અને આ રસ્તા પરથી પસાર થતા આકેસણ તરફના ગામોના લોકોને અસર થઈ છે.
પાલનપુર શહેરના આકેસણ તરફ જવાના માર્ગમાં આવેલા અંડરપાસ પાસે કોઈપણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વિના અચાનક મસ મોટો ખાડો કરી અને રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને રસ્તો બંધ થવાના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી. સાંજના સુમારે લોકો નોકરી, ધંધાર્થેથી પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા ત્યારે રસ્તો બંધ હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આમ અગાઉથી કોઈ પણ પ્રકારની સુચના કે બોર્ડ મુક્યા વિના પ્રશ્નો બંધ કરી દેવાના કારણે લોકોએ હેરાન થવું પડયું હતું અને આ બાબતે સ્થાનિક તંત્ર અને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ જવાબદારો સામે રોષ ઠાલવ્યો હતો.આ બાબતે કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર કામગીરી બાકી રહી ગયેલ તેના માટે ખાડો કરવામાં આવ્યો છે પરંતુ આ બાબતે અગાઉથી કોઈ પગલાં ન લેવાતા અહિં અકસ્માત થાય તેવી ભીતિના કારણે લોકોએ રોષ ઠાલવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓને હાલાકી ભોગવવી પડશે.










