રાજસ્થાનના સિરોહી જિલ્લાના પર્યટન સ્થળ માઉન્ટ આબુથી ગુજરાતના રાજકોટ પરત ફરી રહેલા પ્રવાસીઓના વાહનને વહેલી સવારના સુમારે ગંભીર અકસ્માત નડયો હતો. આબુ-આબુરોડ રોડ પર માર્ગ પર શનિ મંદિર નજીક પ્રવાસીઓથી ભરેલું ટેમ્પો ટ્રાવેલર વાહન ડિવાઈડર સાથે અથડાયા બાદ રસ્તાની બાજુના ખાડા પલટી મારી ગયું હતું. જેમાં રાજકોટના 6 પ્રવાસીઓને ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતના રાજકોટથી પ્રવાસીઓનું એક જૂથ રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટઆબુની મુલાકાતે આવ્યું હતું. પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આ તમામ મુસાફરો ટેમ્પો ટ્રાવેલર વાહનમાં સવાર થઈને રાજકોટ પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન વહેલી સવારના સુમારે આબુરોડ સદર પોલીસ મથકની હદમાં આવતા શનિ મંદિર પાસે વાહનચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.બેકાબુ બનેલું વાહન ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાયું હતું અને ત્યારબાદ માર્ગની બાજુમાં આવેલા ખાડામાં પલટી ગયું હતું. અકસ્માત થતાં ઘટનાસ્થળે ભારે અફડાતફડી અને ચીસાચીસ મચી ગઈ હતી તેમજ પ્રવાસીઓ પલટી ગયેલા વાહનની અંદર ફસાઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસ હાજર મુખરી માતા ટેકસી યુનિયરના ડઈવરો તાત્કાલિક મદદ દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી વાહનમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢયા હતા. ઘટનાની જાણ થતાં આબુરોડ સદર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ 6 પ્રવાસીઓને તાત્કાલિક સારવાર અર્થે આબુરોડ સ્થિત ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
