ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુરના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ.પટેલના માર્ગદર્શન હેઠળ સિનિયર ફુડ સેફ્ટી ઓફિસર એચ.વી.ગુર્જર તથા ફુડ સેફ્ટી ઓફિસર કે.કે.ચૌધરી, ઈ.એસ.પટેલ અને કુ.એચ.જે.ડામોર દ્વારા ચંડીસર જીઆઈડીસી, પ્લોટ નં.101માં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ થતું હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં ભાવેશકુમાર અશોકભાઈ ચોખાવાલા દ્વારા કોઈપણ પ્રકારની કાયદેસર પરવાનગી વિના શંકાસ્પદ ઘીનો વ્યવસાય કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. વારંવાર જાણ કરવા છતાં પેઢીના જવાબદારો હાજર ન રહેતા, જાહેર આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબ પેઢીને સીલ કરાઈ હતી. ત્યારબાદ સરકારી પંચો તથા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની હાજરીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી તેમજ પામોલીન તેલ, લેબલ વગરના પ્રવાહી અને અન્ય એડલ્ટરન્ટ પદાર્થોનો સંગ્રહ મળી આવ્યો હતો. આ તપાસ દરમ્યાન શંકાસ્પદ ઘી તથા એડલ્ટરન્ટના કુલ 9 નમુનાઓ લેવામાં આવી સરકારી ફુડ લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ અંદાજિત રૂ.24,09,967 કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન પેઢીમાંથી એક્સપાયરી ડેટનું ઘી તથા ઘુમર નામે ગાય અને ભેંસના ઘીનું ઉત્પાદન કરી જુદા જુદા રાજ્યોમાં વેચાણ થતું હોવાનું માલુમ પડયું છે. આ સમગ્ર બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










