દીપાવલીના પવિત્ર તહેવાર નિમિત્તે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માનવતાની મહેંક ફેલાવતું એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના બાળગૃહના બાળકો સાથે દિવાળીના તહેવાર અને અનોખી ખુશીઓ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે પોલીસ પ્રજાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સતત કાર્યરત રહે છે પરંતુ બનાસકાંઠા પોલીસ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વની ભાવના સાથે ઉત્સવોમાં પણ જનસેવા અને સંવેદનશીલતા દર્શાવવામાં આવે છે. આ જ પરંપરાને જાળવી રાખીને એસપીની સૂચનાથી પોલીસ વિભાગની ટીમ બનાસકાંઠા જિલ્લાના બાળગૃહ ખાતે પહોંચી હતી. બાળગૃહના બાળકો પણ અન્ય બાળકોની જેમ ઉત્સાહપૂર્વક દિવાળી મનાવી શકે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા બાળકોને મોં મીઠું કરાવવા માટે મીઠાઈની કિટ તેમજ આનંદથી તહેવાર ઉજવણી શકે તે હેતુથી સુરક્ષિત ફટાકડા અને ગિફ્ટ પેકેટ ભેટ આપવામાં આવ્યા હતા. ખાખી વર્દી પહેરેલા પોલીસકર્મીઓને પોતાની વચ્ચે હસતામુખે જોઈને બાળકોના ચહેરા પર એક અનેરો આનંદ અને ચમક જોવા મળી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. તેમની સાથે વાતચીત કરી હુંફ આપી હતી. દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને તેમના જીવનમાં હંમેશા પ્રકાશ ફેલાતો રહે તેવી પ્રેરણાદાયી વાતો કરી હતી. બાળગૃહના સંચાલકો અને બાળકોએ બનાસકાંઠા પોલીસના આ સંવેદનશીલ અભિગમ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા પોલીસની આ પહેલથી ફરી એકવાર સાબિત થાય છે કે પોલીસ માત્ર કાયદો જ નથી જાળવવી, પરંતુ જરૂરીયાતમંદ અને અનાથ બાળકોના જીવનમાં ખુશીઓ લાવીને સાચા અર્થમાં સમાજની રક્ષક અને સેવક બંનેની ઉત્તમ ભુમિકા ભજવે છે.
