પાલનપુરમાં મોટા ભાગના વિસ્તારોમાં સફાઈ અને ગટરની અવ્યવસ્થાને કારણે તેમજ દબાણો અને ગંદા પાણીના નિકાલ માટેની અવ્યવસ્થાના પરીણામે લોકોમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 4 માં ભરઉનાળે પણ ચોમાસા જેવી સ્થિતિ જોવા મળે છે. અને અહિં ગટરના ગંદા પાણી બારેમાસ રોડ ઉપર ઉભરાઈ રહેતા જન આરોગ્ય સામે ખતરો રહે છે.ત્યારે જનતાનગરમાં પણ આવી સ્થિતિને કારણે લોકોએ રોષ ઠાલવી અને બેનર લગાવ્યા હતા. પાલનપુર શહેરમાં આવેલા વોર્ડ નંબર 4 માં લોકોએ ખોબલે ખોબલે વોટ આપી અને કોંગ્રેસના સભ્યોને ચુંટી લાવ્યા હતા પરંતુ લોકોએ જે આશા સાથે વોટ આપ્યા હતા. તે આશા પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ આ વિસ્તારના રહીશોની સમસ્યાનો ઉકેલ ન આવ્યો અને વર્ષોથી ચોમાસા દરમ્યાન ઘરમાં પાણી ભરાઈ રહે છે. તે સમસ્યા પણ યથાવત રહી અને તે સિવાયના દિવસોમાં પણ ગટરોના ગંદા પાણી જાહેર રસ્તા પર ઉભરાઈ રહેતા હોવાથી રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. વળી અહિં પાકા રસ્તા બનાવવાની તો જાણે કોઈ ગ્રાન્ટ જ ન આવી હોય તેમ અહિં હજુ પણ કાચા અને ઉબડ-ખાબડ રસ્તા યથાવત છે. આમ અહિં વિકાસનું નામ લેવાયું નથી.આવા સંજોગોમાં સ્થાનિકો જ્યારે રજુઆત કરે ત્યારે પાલિકામાં તેમની રજુઆત ધ્યાને લેવાતી નથી. તેમ કહી પ્રતિનિધિઓએ જે જવાબ આપ્યા હતા તે હવે ચુંટણી ટાણે લોકો યાદ કરી રહ્યા છે અને આવા સંજોગોમાં લોકોની સમસ્યાનો ઉકેલ ન આવતા હવે લોકોમાં ભારેલા રોષની લાગણી પ્રવર્તિ રહી છે.

Gir Somnath News: વેરાવળમાં મોહરમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ









