પાલનપુર તાલુકાના મડાણા(ડાંગીયા) ગામે રહેતા ભરતજી વાલજીજી ઠાકોર તેના મામા કેલાજી ચેનજીજી ઠાકોર રહે.વહાણા, તા.સરસ્વતી, જી.પાટણવાળાના ઢીંચણની સારવાર કરાવવા માટે બાઈક લઈને પાલનપુર આવ્યો હતો. પાલનપુર એરોમા સર્કલ પાસે આવેલી કેપલ હોટલની પાછળ ખાનગી હોસ્પિટલમાં મામાની દવા કરાવીને બંને પરત મડાણા ગામે જવા નીકળ્યા હતા. તે દરમ્યાન સવારના સુમારે લડબીનાળા પાસેથી પસાર થતી વખતે પાલનપુરથી ડીસા તરફ જઈ રહેલ એક અજાણ્યા ટ્રક ચાલેક પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ભરતજીની બાઈકને ટક્કર મારી હતી. ટક્કર મારતા મામા-ભાણેજ બંને રોડ પર ફંગોળાઈ ગયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા અને અકસ્માત સર્જનાર ટ્ક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મૃતક ભરતજીના દાદા પનજીભાઈ દેસળજી ઠાકોર પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે બંને મૃતદેહોનું પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પનજીભાઈ ઠાકોરે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો