બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલ સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સાળવી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિતે સેવાભાવસભર એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત શાળાના બાળકોએ ગાય માટે ઘાસચારો તથા શ્વાન માટે ખીચડીનું વિતરણ કરીને તહેવારને માનવતા અને કરૂણાથી ઉજવ્યો હતો. ઉત્તરાયણનાં પૂર્વ પ્રસંગે આયોજિત આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાળકોમાં દાન-પુણ્યની ભાવના, સંવેદનાશીલતા અને સેવા ભાવનાને વિકાસ કરવાનો હતો. મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોને સમજાવવામાં આવ્યું હતું કે ઉત્તરાયણ માત્ર પતંગ ઉડાવવાનો તહેવાર નથી પરંતુ જરૂરીયાતમંદ અને નિર્દોષ જીવો પ્રત્યે કરૂણા દર્શાવવાનો અવસર પણ છે. પ્રાણીજીવન પ્રત્યેનો આ સેવાભાવ બાળકો માટે જીવંત શિક્ષણ સમાન બન્યો. બાળકો દ્વારા પોતાના હાથે સ્વખર્ચે લાવેલ ઘાસચારો અને જાતે તૈયાર કરેલ ખીચડી વહેંચતા સમયે દેખાયેલી ખુશી અને ઉત્સાહ તેમની આંતરીક માનવતાનું પ્રતિબિંબ હતો. આવા આયોજનથી બાળકોમાં જવાબદારી, સહાનુભુતિ અને સમાજ માટે કંઈક કરવાની પ્રેરણા વિકસે છે. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા અપનાવાયેલો આ અભિગમ મુલ્ય આધારીત શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે. શાળા દ્વારા સતત કંઈક નવું કરીને વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર અને દાન-પુણ્યની ભાવના કેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઉત્તરાયણ પર્વને સેવાભાવ સાથે જોડતી આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે. આ પ્રેરણા સફર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સાળવી પ્રાથમિક શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, મહેશભાઈ પટેલ અને ઉપાચાર્ય રંજનબેન પટેલ તથા તમામ શિક્ષક મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









