બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાંતીવાડામાં નોંધાયો છે જ્યારે હડાદ, ઓગડ, ડીસા તાલુકામાં પણ છેલ્લા 24 કલાક દરમ્યાન ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, અમીરગઢ, વડગામ અને કાંકરેજમાં પણ બે થી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે અને હજી આગામી 24 કલાક દરમ્યાન સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે 27.59 ટકા વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે અને જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના મુકતેશ્વર, દાંતીવાડા અને સીપુ ડેમમાં હજુ સુધી પાણીની કોઈ આવક થવા પામી નથી પરંતુ બનાસનદીમાં તેમજ સીપુ નદીમાં રાજસ્થાન તરફથી હવે ધીમે ધીમે પાણી આગળ વધી રહ્યા છે એટલે કે આગામી દિવસોમાં પાણીનો આવરો આવે તેવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં એકથી સાત ઈંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દાંતીવાડામાં સાત ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે સૌથી ઓછો પાલનપુરમાં 17 મીમી વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો હતો. જો કે વરસાદના કારણે પાલનપુર શહેરમાં નગરપાલિકા તંત્રની પોલ છતી થઈ હતી અને પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. શહેરના બિજેશ્વરની કોલોની કિર્તીસ્તંભ સહિતના વિસ્તારમાં વરસાદ બંધ થયા બાદ ધીમે ધીમે પાણી ઓસરી જતા લોકોને રાહત થઈ હતી.
