પાલનપુરના બિજેશ્વર કોલોની વિસ્તારમાં રહેતી યુવતીએ પોતાના પતિ, સસરા અને બે નણંદ સામે દહેજની માંગણી કરી ત્રાસ આપવા અંગે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર પાલનપુરના બ્રિજેશ્વર કોલોની ખાતે રહેતી દક્ષાબેન ગનવાનીના લગ્ન 04/09/2025ના રોજ સુરેન્દ્રનગરના કરમણ પરા વિસ્તારમાં રહેતા દિપકભાઈ હરેશભાઈ તેજવાની સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદથી જ પતિ અન્ય સ્ત્રીઓ સાથે ફોન પર વાતચીત કરતો હતો અને વિરોધ કરવા પર પરણિતા પર અવારનવાર ગુસ્સે થઈ મારઝુડ કરતો હતો. પરણિતાના સસરા હરેશભાઈ તેજવાની, નંણદ તમન્નાબેન અને ભાવના બેન અવારનવાર પિયરમાંથી કંઈ લાવી નથી તેમ કહી મેણા-ટોણાં મારતા હતા. પતિએ બાપના ઘરેથી કંઈ લાવી નથી તેમ કહી રૂા.ર લાખની માંગણી કરી હતી. તદુપરાંત નણંદો પણ પતિને ચઢામણી કરી પરણિતા સાથે નોકરાણી જેવું વર્તન કરવા દબાણ કરતી હતી. ગત તા.24/04/2026 ના રોજ ત્રાસથી કંટાળીને પરણિતાએ પોતાની માતા અને બહેનને તેડાવતા, પતિએ બોલાચાલી કરી પરણિતાને માર મારી પહેરેલા સોનાના દાગીના તથા રોકડ રૂ.25,000 પડાવી લીધા હતા અને માતા-બહેન સાથે અપશબ્દો બોલી ઘરમાંથી કાઢી મુક્યા હતા. સામાજિક સ્તરે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં આખરે પરણિતા દક્ષાબેને પાલનપુર મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે પતિ દિપકભાઈ હરેશભાઈ તેજવાની તથા સસરા હરેશભાઈ વેન્સીમલ તેજવાની બંને રહે.કરમણ પરા, સુરેન્દ્રનગર તથા તમન્નાબેન હરેશકુમાર ન્યાલાણી અને ભાવનાબેન સુનીલભાઈ તોરાણી બંન્ને રહે.કલોલ, જિ.ગાંધીનગર વિરૂદ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
