રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા ધોધમાર વરસાદ અને નીચા ઉતરી આવેલા વાદળો તથા ગાઢ ધુમ્મસના કારણે સમગ્ર આબુ પર્વત પર અદ્ધુત કુદરતી સૌંદર્ય ખીલી ઉઠયું છે. વાતાવરણમાં સર્જાયેલા આહલાદક પલટાને કારણે ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુ ખાતે ઉમટી પડયા છે.

રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટઆબુ ખાતે છેલ્લા ર4 કલાકમાં આશરે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદી છાંટા અને ચારેય તરફ છવાયેલી ગાઢ ધુમ્મસની ચાદર વચ્ચે વાતાવરણ અત્યંત મનોહર બની ગયું છે. ખાસ કરીને રજાઓ અને વીકેન્ડના માહોલમાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત અને દેશના વિવિધ વિસ્તારોમાંથી સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. માઉન્ટઆબુના મુખ્ય આકર્ષણ સમાન નક્કી લેક, સનસેટ પોઈન્ટ અને સ્થાનિક બજારોમાં સહેલાણીઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. ધુમ્મસની વચ્ચે નીચે ઉતરી આવેલા વાદળો વચ્ચે સહેલાણીઓ ગરમાગરમ નાસ્તો, ચાઈ-કોફી અને ડાન્સ કરીને આહલાદક હવામાનની મજા માણી રહ્યા છે. પ્રવાસીઓના મતે, માઉન્ટઆબુ હાલ ધરતી પરના સ્વર્ગ જેવો અહેસાસ કરાવી રહ્યું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થતાં માઉન્ટઆબુના હોટલ, રેસ્ટોરન્ટ્સ અને સ્થાનિક બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર સહેલાણીઓ અને વાહનોની ચહલપહલથી બજારો જીવંત બની ઉઠયા છે. વરસાદી મોસમ વચ્ચે માઉન્ટઆબુ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.