જનતાની સુરક્ષા અને આપત્તિના સમયે ખડેપગે રહી જીવના જોખમે ફરજ બજાવતા પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓ માટે એક લાગણીસભર કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર તેમજ પાલિકા પ્રમુખ સુનિતાબેન પટેલ દ્વારા ફાયર વિભાગના તમામ કર્મચારીઓનું મો મીઠું કરાવી મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગના ઈતિહાસમાં કર્મચારીઓને આ પ્રકારે મીઠાઈ આપી સન્માનિત કરવામાં આવ્યા હોય તેવી પ્રથમ ઘટના બની છે. તહેવારોના દિવસોમાં જ્યારે સામાન્ય નાગરિકો પોતાના પરિવાર સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે ફાયર વિભાગના કર્મીઓ લોકોની સલામતી કાજે પરિવારથી દુર રહીને ફરજ નિભાવતા હોય છે. આવા સમયે લોકપ્રતિનિધિઓ દ્વારા તેમની કામગીરીની કદર કરી રૂબરૂ આવી મીઠાઈ આપવામાં આવતા જવાનોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના જવાનો 24 કલાક સતત ખડેપગે રહી નગરજનોનું રક્ષણ કરે છે. તેમની આ નિષ્ઠાવાન સેવા બદલ તેમનો ઉત્સાહ વધારવોએ આપણી નૈતિક ફરજ છે. જ્યારે નગરપાલિકા પ્રમુખ સુનિતાબેન પટેલે જણાવ્યું હતું કે પાલનપુરની જનતાની સેવામાં તત્પર રહેતા અમારા ફાયર ફાઈટર્સ પરિવારનો જ એક હિસ્સો છે. આ પ્રથમ વખત થયેલા મીઠાઈ વિતરણથી તેમના ઉત્સાહમાં વધારો થશે અને આાગામી સમયમાં પણ તેમના હિતનું સતત ધ્યાન રાખવામાં આવશે.
