પાલનપુર નગરપાલિકાની કામગીરીમાં બિનઆવડત છતી થતી હોય તેમ વરસાદની ઋતુ વચ્ચે નગરપાલિકા તંત્ર અચાનક જાગ્યું છે અને શહેરના અતિ વ્યસ્ત એવા બારડપુરા મુખ્ય બજાર વિસ્તારમાં રોડ નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ભર ચોમાસે શરૂ કરાયેલા આ ખોદકામને કારણે આખોય રોડ કાદવ-કીચડ અને ખાડાઓમાં ફેરવાઈ જતાં સ્થાનિક વેપારીઓ તથા રાહદારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના હાર્દસમા ગણાતા બારડપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી કામગીરી તંત્રની ઘોર બેદરકારી એન બિનઆવડતનો નમુનો બની છે. સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં જ્યારે રસ્તાઓનું સમારકામ કે નવું બાંધકામ સ્થગિત રાખવાનું હોય છે ત્યારે પાલનપુર નગરપાલિકાએ કોઈપણ પ્રકારના આગોતરા આયોજન વિના જેસીબી મશીન વડે આખો મુખ્ય રોડ તોડી પાડયો છે. રોડ પરથી ડામરના મોટા-મોટા પોપડા ઉખાડી નાખવામાં આવ્યા છે અને ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે આખો રસ્તો કાદવમાં ફેરવાઈ ગયો છે. બારડપુરા એ પાલનપુરનું મુખ્ય બજાર હોવાથી દરરોજ હજારો ગ્રાહકો અને વાહનચાલકો અહિંથી પસાર થાય છે પરંતુ રોડ ખોદી નાખવામાં આવતા દુકાનો આગળ જ ગંદુ પાણી અને કાદવ જમા થઈ ગયો છે જેના કારણે ગ્રાહકો બજારમાં આવતા અટકાઈ ગયા છે અને વેપારીઓના ધંધા-રોજગારને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. તે ઉપરાંત તોડેલા રસ્તાના પોપડા અને ખાડાઓમાં પાણી ભરાયેલું હોવાથી વાહનચાલકો અને રાહદારી જતા લોકો સ્લિપ થઈને પડી જવાનો કે અકસ્માત સર્જાવાનો મોટો ભય ઉભો થયો છે. સ્થાનિક રહીશો અને વેપારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આખું વર્ષ નગરપાલિકા ઘોર નિદ્રામાં હતી ? ભર ચોમાસે જ રોડ બનાવવાનું કેમ સઝયું ? હાલ તો પાલનપુર નગરપાલિકાની આ બિનઆવડત નીતિને કારણે પ્રજાને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આ કામ ઝડપથી પુરું કરવામાં આવે અથવા તો લોકોને રાહત મળે તેવો કામચલાઉ રસ્તો તાત્કાલિક ધોરણે તૈયાર કરવામાં આવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠી છે.
