આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વે પાલનપુર શહેરમાં ગણપતિ બાપ્પાના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ ચતુર્થીના પૂર્વે ગણેશજીની મૂર્તિઓના સ્ટોલ પર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો પોતાની પસંદગી મુજબ ગણેશજીની મૂર્તિની ખરીદી કરવા તેમજ સ્થાપના માટે જરૂરી પૂજા-સામગ્રી અને શણગારની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
આ વર્ષે પર્યાવરણ પ્રત્યે લોકોમાં વધેલી જાગૃતિની અસર ગણેશોત્સવની ઉજવણીમાં પણ જોવા મળી રહી છે. પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ શુદ્ધ માટીની મૂર્તિઓની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. પર્યાવરણને નુકસાન ન થાય અને ઘરે સરળતાથી વિસર્જન કરી શકાય તે માટે મોટી સંખ્યામાં ભક્તો માટીની મૂર્તિઓને પ્રાથમિકતા આપી રહ્યા છે. જેને કારણે મોટાભાગના મૂર્તિ વેચતા વેપારીઓ પણ માટીની મૂર્તિઓના વેચાણ તરફ વધુ વળ્યા છે. ઘરે જ મૂર્તિની વિસર્જન કરવાની પરંપરાને ધ્યાનમાં રાખીને દોઢથી બે ફુટ ઊંચાઈની મૂર્તિઓને સૌથી વધુ માંગ જોવા મળી રહી છે. જોકે બજારમાં એક વેંત જેટલી નાની મૂર્તિથી લઈને ચાર ફુટ સુધીની વિવિધ આકાર અને ડિઝાઈનવાળી મૂર્તિઓ ઉપલબ્ધ છે. ભક્તોની પસંદગી મુજબ ગણેશજીની અલગ-અલગ મુદ્રા, રંગ અને આકર્ષક ડિઝાઈનની મૂર્તિઓ પણ બજારમાં જોવા મળી રહી છે. મૂર્તિઓની કિંમતમાં પણ વિધિવતા જોવા મળી રહી છે. નાની મૂર્તિઓની કિંમત અંદાજે રૂા.100 થી શરૂ થાય છે જ્યારે મોટી અને વિશેષ ડિઝાઈનવાળી મૂર્તિઓની કિંમત રૂા.15 હજાર સુધી પહોંચી રહી છે. ગણેશજીની સ્થાપના માટે ભક્તો માત્ર મૂર્તિ જ નહીં પરંતુ મંડપને આકર્ષક બનાવવા માટે વિવિધ પ્રકારના સુશોભન સામાન, લાઈટીંગ, ફુલોની સજાવટ, ડેકોરેશનની સામગ્રી અને પૂજા સામગ્રીની પણ ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. શહેરના બજારોમાં ગણેશોત્સવને લઈને ચહલપહલ વધી ગઈ છે અને વેપારીઓમાં પણ સારો વેપાર થવાની આશા જોવા મળી રહી છે. પાલનપુરમાં વર્ષોથી મૂર્તિ વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ચેતનભાઈ પઢીયારે જણાવ્યું હતું કે આ વર્ષે બજારમાં મૂર્તિઓના ભાવમાં થોડો વધારો થયો હોવા છતાં ભક્તોમાં ગણેશજી પ્રત્યેનો ઉત્સાહ ઓછો થયો નથી ગણેશ ચતુર્થી પહેલા જ અનેક ભકતોએ મૂર્તિઓનું એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું.
