બનાસકાંઠા જિલ્લા અને વાવ-થરાદ જિલ્લા સીએનજી ડીલર એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા સમયથી સીએનજી કંપની સમક્ષ ડીલર્સના વિવિધ પડતર પ્રશ્નો અને વ્યાજબી માંગણીઓ અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. અન્ય જિલ્લાઓની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં સીએનજીના ઉંચા ભાવો તેમજ ડીલરોના કમિશનમાં વધારો કરવા સહિતની મુખ્ય માંગણીઓ અંગે વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કંપની દ્વારા આજદિન સુધીમાં કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી.
એસોસિએશન દ્વારા અગાઉ 15 ઓગસ્ટ સુધીમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કંપનીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જો કે તહેવારો અને રજાના દિવસો દરમ્યાન સામાન્ય જનતાને કોઈ અગવડતા ન પડે તેવા જનહિતના અભિગમ સાથે કંપનીને યોગ્ય નિર્ણય લેવા માટે વધારાનો સમય આપવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ જો કંપની દ્વારા હજુ પણ સકારાત્મક પગલાં ભરવામાં નહીં આવે તો એસોસિએશન દ્વારા તબક્કાવાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત આવતા બુધવારે બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારના તમામ સીએનજી પંપ 24 કલાક માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. 24 કલાકના બંધ બાદ પણ જો કંપની દ્વારા યોગ્ય નિરાકરણ નહીં આવે તો પછીના બુધવારથી બંને જિલ્લાના તમામ સીએનજી પંપ અનિશ્ચિત મુદ્દત માટે સજ્જડ બંધ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે બંને જિલ્લાઓમાં દૈનિક 2 લાખ કિલોથી પણ વધુ સીએનજી ગેસનું વેચાણ થાય છે. જેથી પંપ બંધ રહેવાથી વાહનચાલકો પર તેની મોટી અસર પડી શકે છે. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ નિર્ણય કોઈને મુશ્કેલીમાં મુકવાના હેતુથી નહિં પરંતુ ડીલરોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને ન્યાયિક હિતોના રક્ષણ માટે લેવામાં આવ્યો છે. ડીલરોની માંગણીઓ અત્યંત વાજબી છે અને કંપની સકારાત્મક ઉકેલ લાવે તે જ ઈચ્છનીય છે. જો તેમ નહીં થાય તો તમામ ડીલર્સ એકજૂથ થઈને આંદોલન આકરું બનાવશે.
