પાલનપુરના ધનિયાણા ચોકડી નજીક મોટરસાયકલને ટક્કર મારી ફરાર થઈ ગયેલી એક ફોર્ચ્યુનર ગાડીમાંથી બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે રૂા.02,99,592 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી સ્થળ પર મુકીને નાસી છુટયો હતો. પોલીસે દારૂનો જથ્થો તથા રૂા.10 લાખની ફોર્ચ્યુનર ગાડી મળીને કુલ કિ.રૂા.12,99,952 નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર કાર ચાલક સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરોકત ફરીયાદમાં જણાવ્યા અનુસાર બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી. પોલીસ સ્ટાફની ટીમ પાલનપુર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન ધનિયાણા ચોકડીથી રામપુરા ચોકડી તરફ જતાં રસ્તા પર એક સફેદ રંગની ફોર્ચ્યુનર ગાડી રોડ વચ્ચે પડેલી જોવા મળી હતી. સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયેલ હોવાથી પોલીસે ગાડીની તપાસ કરતા ફોર્ચ્યુનર કારના ચાલકે એક મોટરસાયકલ સવારને અકસ્માત સર્જ્યો હતો અને ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત મોટરસાયકલને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ એલસીબી સ્ટાફ તથા પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના સ્ટાફે ફોર્ચ્યુનર ગાડી નં. જીજે 06 કેએચ 8875 ની તલાસી લેતા ગાડીની વચ્ચેની તથા પાછળની સીટમાંથી ગેરકાયદે રીતે પાસ-પરમિટ વગર હેરાફેરી કરાતો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ 1368 કિ.રૂા.2,99,592 તથા ફોર્ચ્યુનર ગાડી કિ.રૂા.10 લાખ મળી કુલ કિ.રૂા.12,99,592 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આથી પોલીસે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે ફોર્ચ્યુનર ગાડી નં.જીજે 06 કેએચ 8875 નો ચાલક વિરૂદ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો