જગાણા રેલવે ઓવરબ્રિજ પર અગાઉ માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોની રજૂઆતો બાદ તંત્ર દ્વારા રીપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ સમારકામ માત્ર થીગડાં મારવા પુરતું જ સીમિત રહ્યું હોય તેવું હાલની પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે. બ્રિજની સપાટી પરથી ડામર અને કપચી ઉખડી જતાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. જેના કારણે રોડ પરથી પસાર થવું જોખમી બન્યું છે. આ ઓવરબ્રિજ પરથી દરરોજ મોટી સંખ્યામાં નાના-મોટા વાહનો, શાળા- કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનો અવરજવર કરે છે. રોડ પર ઉખડેલી કપચી અને ગાબડાંને કારણે ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ જવાના અને નાના-મોટા અકસ્માતો થવાના બનાવો વધી રહ્યા છે. રાત્રિના સમયે ખાડા ન દેખાતા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્રની આ બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને ક્યારે આ બ્રિજનું યોગ્ય સમારકામ કરાવે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે.
