રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-03 મડાણા ખાતે કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના ઉદ્ધાટન સમારોહ જૂથ-03, મડાણાના સેનાપતિ દિનેશસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો હતો. જૂથ-03 મડાણાના સેનાપતિ દિનેશસિંહ ચૌહાણ દ્વારા સ્પર્ધાનો વિધિવત્ શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે રમતગમતથી પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ અને પરસ્પર સહકારની ભાવના મજબૂત બને છે. રાજ્યના વિવિધ શહેરો, જિલ્્ઓ રેન્જ અને જેલ વિભાગમાંથી પોલીસ રમતવીરો એકત્રિત થયા છે ત્યારે આ સ્પર્ધા ખેલદિલી, શિસ્ત અને પોલીસ દળની એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. કબડ્ડી અને ખો-ખો જેવી પરંપરાગત સ્વદેશી રમતોના મહત્ત્વ પર ભાર મુકતા જણાવ્યું હતું કે આ રમતો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત વારસાને જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉદ્ધાટન સમારોહ દરમ્યાન પોલીસ બેન્ડની સુમધુર સુરાવલી અને ભવ્ય આતશબાજી વચ્ચે વિવિધ ટીમો દ્વારા શિસ્તબદ્ધ ફલેગ માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સ્પર્ધામાં 09 પુરુષ અને 08 મહિલા કબડ્ડી ટીમો તેમજ 04 પુરુષ અને 05 મહિલા ખો-ખો ટીમો સહિત વિવિધ શહેરો, જિલ્લાઓ, રેન્જ અને જેલ વિભાગની ટીમોએ ભાગ લીધો છે. આ પ્રસંગે જૂથના મદદનીશ સેનાપતિ આર.એલ.ડાંખરા, બનાસકાંઠા જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ રાકેશભાઈ પ્રજાપતિ તથા નેશનલ ખો-ખો કોચ સંદીપભાઈ નાયક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં મડાણા ખાતેની એસડીઆરએફ ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન દરમ્યાન કરવામાં આવતી કામગીરી તથા તેમાં ઉપયોગમાં લેવાતાં સાધનોની પ્રદર્શન મારફતે માહિતી આપવામાં આવી હતી. ઉદ્ધાટન સમારોહ બાદયોજાયેલી પ્રથમ પુરુષ કબડ્ડી લીગ મેચમાં હથિયારી એકમોની ટીમે જેલ વિભાગની ટીમ સાથે વિજય મેળવ્યો હતો. જ્યારે મહિલા વર્ગની અમદાવાદ રેન્જ અને જેલ વિભાગ વચ્ચે રમાયેલી બીજી મેચમાં અમદાવાદ રેન્જની મહિલા ટીમ વિજેતા બની હતી. ઉપસ્થિત મહાનુભાવોએ જીવંત મેચ નિહાળી રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ જૂથ - 03, મડાણાના સેનાપતિ દિનેશસિંહ ચૌહાણની અધ્યક્ષતા અને મદદનીશ સેનાપતિ આર.એલ.ડાંખરાના માર્ગદર્શન હેઠળ આયોજિત સમિતિના સુસંગત આયોજન અને સંકલનથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો