પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવ્યાને એક મહીના ઉપરાંતનો સમય વિતિ ગયો હોવા છતા હજુ સુધી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી નથી.અને ચેરમેન પદ માટે પણ હજુ પસંદગી કરવામાં આવી નથી.ત્યારે હવે ટુંક સમયમાં વિવવ્ધ સમિતિઓની અને ચેરમેનની વરણી કરવામાં આવનાર છે.ત્યારે પાલિકાની મલાઈદાર કમિટિઓ પર નજર રાખીને બેઠેલા સભ્યોએ લોબિંગ શરૂ કરીઅને શહેર પ્રમુખ અને ધારાસભ્યની આસપાસ ચક્કરો મારવાનુ શરૂ કર્યાની ચર્ચાને પગલે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાલનપુર નગરપાલીકામાં ચૂંટણી પુરી થયાના અઢી મહીના વિત્યા છતા હજુ સુધી કમિટિઓની રચના કરાઈ નથી અને ચેરમેનની પસંદગી કરવામાં આવી નથી.પરંતુ માહીતગાર સુત્રોના માનવા અનુસાર હવે ટુંક સમયમાં વિવિધ કમિટિ માટે ચેરમેન અને કમિટિઓની વરણી કરવામાં આવનાર છે.ત્યારે વિવિધ સમિતિઓની રચના અને ચેરમેનપદની જાહેરાત પહેલા સ્થાનિક રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે.પાલિકાના શાસકપક્ષનાસભ્યો વચ્ચે જનતાના કામો કરતા પોતાની મનગમતી અને આર્થિક રીતે સક્ષમ ગણાતી મલાઈદાર કમિટિ અંકે કરવા અંદરોઅંદર હોડ જામ્યાનુ ચર્ચાની એરણે ચડયુ છે.આમ એકતરફ શહેરના બિસ્માર રસ્તા,ટ્રાફીક અને સફાઈના જટિલ પ્રશ્નો ઉકેલવાને બદલે સત્તા અને આર્થિક પ્રભાવ ધરાવતી કમિટિ મેળવવા માટે વગ અને આર્થિક જોર કરી રહ્યાનુ કહેવાય છે.ત્યારે પાલિકામાં લોબીંગ અને રાજકીય વર્તુળમાં કયા સભ્યની વધુ વગ અને આર્થિક જોર ચાલશે અને કોને મલાઈદાર કમિટિ મળશે.તેવી અટકળોનો દોર શરૂ થયો છે.જો કે આંતરિક ખેંચતાણના કારણે મોવડી મંડળ પણ મૂંઝવણમાં હોવાનુ કહેવાય છે.ત્યારે આગામી દિવસોમાં જાહેર થનારી કમિટિઓમાં વગદારો ફાવશે કે પક્ષ શિસ્ત જાળવી રાખશે તેના પર સૌની નજર મંડાઈ છે.ટી.પી. અને બાંધકામ સમિતિ માટે કોન્ટ્રાક્ટર આણી કંપની દોડધામ કરી રહ્યાનુ શહેરમાં ભારે ચર્ચાસ્પદ બન્યુ છે.