બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી રસ્તાઓ પર અને ઘરના આંગણે ગટરનું ગંદુ પાણી ફરી વળતા નકરાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વગર વરસાદે ફેલાયેલી ગંદકી અને દુર્ગંધને કારણે સ્થાનિક રહીશો અને માસુમ બાળકોમાં ડેન્ગ્યુ તથા ચામડીના ગંભીર રોગો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા સમસ્યા ઉકેલવાને બદલે નળ કનેકશન કાપી નાખવાની ધમકીઓ આપતા મહિલાઓમાં રોષ સાતમા આસમાને પહોચ્યો છે. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી આ સોસાયટીમાં ગટરનું ગંદુ પાણી ફળી વળ્યું છે. જેના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વગર વરસાદે સર્જાયેલી આ નરકાગાર જેવી સ્થિતિના કારણે લોકોનું જીવન દુરસ્ત બન્યું છે અને ઘરમાં બેસવું કે રસોડામાં રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. ગંદા પાણી અને ભારે દુર્ગંધના કારણે વિસ્તારમાં ડેન્ગ્યુ જેવા ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પુરી ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ નાના બાળકોને ચામડીના રોગો થઈ રહ્યા છે. સોસાયટીમાં રમતા બાળકો ઘણીવાર આ ગંદા પાણીમાં પડી જતા હોય છે. જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાનો સતત ડર સતાવી રહ્યો છે. સ્થાનિક મહિલાઓએ રોષ વ્યક્ત જણાવ્યું હતું કે વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અવાજ પહોંચતો નથી અને કોઈ જ ઉકેલ લાવવામાં આવતો નથી. સમસ્યા હલ કરવાના બદલે પ્રજાને નળ કનેકશન કાપી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહ્યાના આક્ષેપો કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહિં આવે તો સ્થાનિક મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો