બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત ઈકબાલગઢથી બાલુન્દ્રા જતા રોડ પર આવેલ ભગવતી પેટ્રોલપંપ પર ધનતેરસની રાત્રીએ ત્રાટકીને હથિયારોની મદદે લૂંટ ચલાવનાર રાજસ્થાનના સ્વરૂપગંજની કુખ્યાત સુરેશ નેકાજી ગરાસિયા ગેંગને બનાસકાંઠા એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે બે મુખ્ય આરોપીઓ અને ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો સહિત કુલ પ શખ્સોને દબોચી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગુનાખોરી ડામવા અને ગંભીર ગુનાઓ શોધી કાઢવા માટે જિલ્લા પોલીસવડા તથા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાંચ પાલનપુરની ટીમો સક્રિય છે. ગત તા.07/11/2026 ના રોજ મધ્યરાત્રીએ અમીરગઢના બાલુન્દ્રા રોડ પર આવેલ ભગવતી પેટ્રોલપંપ પર બે મોટરસાયકલ પર આવેલા પાંચ અજાણ્યા શખ્સો મોઢા પર રૂમાલ તથા મફલર બાંધીને આવ્યા હતા. તેમણે ફિલરને લોખંડની કોશ અને છરી જેવા ઘાતક હથિયારો બતાવી મોબાઈલ તથા રોકડ રૂા.10 હજાર સહિત કુલ રૂા.20 હજારની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. આ અંગે અમીરગઢ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને જોતા એલસીબી ટીમોએ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આરોપીઓ રાજસ્થાનના સ્વરૂપગંજ વિસ્તારના હોવાનું તથા બનાવના દિવસે અમીરગઢના ખુણિયા ગામે પંચદેવલના સુરેશ નેકાજી ગરાસિયા અને તેના સાગરીતો સગા-સંબંધીઓના ઘરે આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી. આ માહિતીના આધારે પોલીસે નાકાબંધી દરમ્યાન બે આરોપીઓ નોનારામ સુખારામ માછરીયા(ગરાસીયા) તથા સવારામ ઉર્ફે સવિયા નોખારામ ઉર્ફે નેકાજી પલાવત (ગરાસીયા) બંને રહે.પંચદેવલ, રોજાનાડી ફળી, તા.પીંડવાડા, જી.શિરોહી, રાજસ્થાવાળાને ઝડપી લીધા હતા અને તપાસ દરમ્યાન આ ગુનામાં સંડોવાયેલ વધુ 3 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો સામે પણ કાર્યવાહી હાથ ધરી તમામને અમીરગઢ પોલીસ મથકે સોંપવામાં આવેલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો