ગણપતિ મહોત્સવને માત્ર ધાર્મિક ઉજવણી પુરતો સીમિત ન રાખી તેમાં ભારતીય સંસ્કૃતિ, પરિવાર એકતા અને બાળ સંસ્કારનો સમન્વય કરવાનો અનોખો પ્રયાસ ન્યુ પાલનપુર વિસ્તારની તિરૂપતિ રાજનગર સોસાયટી પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. અહિં યોજાયેલા ગણપતિ મહોત્સવમાં ત્રણ પેઢીના સભ્યો એક મંચ પર આવી ઉત્સાહભેર જોડાયા હતા.

તિરૂપતિ રાજનગર પરિવાર દ્વારા આયોજનિત મહોત્સવમાં બાળકોને મોબાઈલ અને આધુનિક ટેકનોલોજીની દુનિયામાંથી બહાર લાવી ભારતીય પરંપરા અને જુની રમતો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહોત્સવના પ્રથમ દિવસે લીંબુ-ચમચી, સંગીત ખુરશી, રસ્સાખેંચ સહિતની વિવિધ પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં માત્ર બાળકો જ નહીં પરંતુ સોસાયટીની મહિલાઓ અને પુરુષોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરૂપતિ રાજનગર સોસાયટીના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આજના સમયમાં બાળકોને આપણી સંસ્કૃતિ અને પરંપરાથી જોડવા જરૂરી છે. ગણપતિ મહોત્સવને માત્ર પૂજા-અર્ચના પુરતો મર્યાદિત ન રાખી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય, પરિવારના સભ્યો એકબીજા સાથે સમય વિતાવે અને જૂની રમતોનું જતન થાય તે હેતુથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ મહોત્સવને સફળ બનાવવા માટે ઉત્સવ સમિતિના ચેરમેન ર્ડા.કેતન જોશી, ઉપપ્રમુખ કનુ ચૌધરી, મંત્રી ભરત દેસાઈ, ખજાનચી શિવરામ પ્રજાપતિ, સહમંત્રી પ્રવીણ જોશી, મહિલા સમિતિના ચેરમેન હીના પ્રજાપતિ, મંદિર સમિતિના ચેરમેન મુકેશ દેસાઈ, શ્રોયસ જોશી, અતુલ રાવલ, ર્ડા.જે.ડી.પટેલ સહિતના આગેવાનો અને સોસાયટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.