પાલનપુરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર તંત્રની બેદરકારીને કારણે નેશનલ હાઈવે વાહન ચાલકો માટે જોખમી બન્યો છે.


હાઈવે પર ઠેર ઠેર યોગ્ય જાળવણીના અભાવે અનેક સમસ્યાઓ સર્જાઈ છે અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોના જીવના જોખમે હાઈવે પરથી પસાર થવા મજબુર બન્યા છે.

નેશનલ હાઈવે 27 ગુજરાતથી આસામને જોડતો લગભગ 3500 કિલોમીટર લાંબો માર્ગ છે. જે ડીસા તેમજ પાલનપુર થઈને રાજસ્થાન થઈને આસામ સુધી જાય છે. અતિ વ્યસ્ત માનતા હાઈવે નં. 27માં પાલનપુર અને ડીસા વચ્ચે યોગ્ય જાળવણી ના થતા અનેક જીવલેણ સમસ્યાઓ સર્જાઈ છે. જેને લઈને વાહન ચાલકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પાલનપુર ડીસા હાઈવે પર અનેક જગ્યાએ માટી અને રેતીના થર જામી જતા રસ્તા પર વચ્ચેનું ડિવાઈડર પણ દેખાતું નથી તેવી પરિસ્થિતિમાં ઉભી થઈ છે. વળી ડીવાઈડર ઉપર ઉભેલા વૃક્ષોને યોગ્ય રીતે જાળવણી ના કરાતા વધુ પડતા વધી ગયા છે. જે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો માટે ખુબ જ જોખમી બન્યા છે. સર્વિસ રોડ પર માટી ભેગી થતા દ્ધિચક્રી વાહન માટીમાં સ્લીપ થઈ જાય છે. આ સાથે રોડ પરથી સફેદ પટ્ટા અદ્રશ્ય થઈ ગયા છે. જેના લીધે રાત્રીના સમયે વાહન ચાલકો માટે રોડ પર પસાર થવું જોખમી બની રહ્યું છે અને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. નેશનલ હાઈવે ર7 પર પાલનપુર - ડીસા હાઈવે પર ઠેર ઠેર અનેક સમસ્યાઓ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ ભાસી રહ્યું છે.નેશનલ હાઈવેની જાળવણી અને સંચાલન માટે રોડ પર ટોલ લેવામાં આવે છે. તેમ છતાં યોગ્ય રીતે સવલત ના મળતી હોવાની રાવ ઉઠી છે.

પાલનપુર - ડીસા હાઈવે પર રોડ ઉપર લેન માર્કિંગ કરેલા સફેદ પટ્ટા એકદમ આછા થઈ ગયા છે તથા અનેક જગ્યાએ તે પટ્ટા અદ્રશ્ય થઈ ગયા છે. ડીસા હાઈવે એરોમા કંપનીની નજીક અકસ્માત ટાળવા માટે સ્પીડ બ્રેક્રર બનાવ્યો છે. પરંતુ તેના ઉપર સફેદ પટ્ટાના હોઈ તેજ સ્પીડ બ્રેકરના કારણે અકસ્માત સર્જાતો હોવાની રાવ ઉઠી છે. રોડ પરથી પસાર થતા ગાડી ચાલકોને અચાનક સ્પીડ બ્રેકર દેખાતા બ્રેક મારતા પાછળથી આવતી ગાડીઓથી અકસ્માત થઈ રહ્યા છે. પરંતુ નેશનલ હાઈવે દ્વારા તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની રાવ ઉઠી છે. આ ઉપરાંત નેશનલ હાઈવેની જાળવણી માટે વાહન ચાલકો પાસેથી પસાર થવા માટે ટોલ લેવામાં આવે છે. આ સિવાય હાઈવેની જાળવણી માટે સરકાર પણ લાખો રૂપિયા ફાળવે છે. તેમ છતાં જાળવણીના અભાવે હાઈવે પર મેડી પોલીસથી એરોમા સર્કલ સુધી અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. પાલનપુર શહેરની જેમ નેશનલ હાઈવે પર પણ સફાઈને લઈ આવી પરિસ્થિતિ હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: