બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલી સરકારી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. શાળામાં બપોરનું ભોજન લીધા બાદ 10 જેટલા બાળકોની તબિયત અચાનક બગડતા તંત્ર દોડતું થયું હતું.
એકલવ્ય મોડલ સ્કૂલમાં 10 બાળકને ફૂડ પોઇઝનિંગ
શાળાના બાળકોએ બપોરના ભોજનમાં દાળ-ભાત આરોગ્યા હતા. ભોજન જમ્યાના થોડા જ સમય બાદ બાળકોને ઉલટી અને પેટમાં દુખાવા જેવી ફરિયાદો શરૂ થઈ હતી. એકસાથે 10 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા શાળા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. શાળાના સત્તાધીશો દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તમામ અસરગ્રસ્ત બાળકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
