બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના અત્યંત વ્યસત ગણાતા નગરપાલિકા રોડ અને સ્ટેશન રોડ પર શાકભાજીના વેપારીઓએ જાહેર માર્ગોને રીતસરના બાનમાં લીધા છે. આશ્ચર્યની વાત એ છે કે ખુદ પાલનપુર નગરપાલિકાના મુખ્ય દરવાજાની બહાર જ શાકભાજીના ઢગલા અને કેરેટ ખડકી દેવામાં આવ્યા છે. છતાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીએ આંખે પાટા બાંધીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે.સમગ્ર મામલે નગરપાલિકાની દબાણ હટાવ શાખા અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સામાન્ય નાગરિક જો રસ્તા પર પોતાનું વાહન બે મિનિટ ઉભું રાખે તો તરત જ મેમો ફાડતી ટ્રાફિક પોલીસને આ આખેઆખો રોડ રોકીને બેઠેલા દબાણકર્તાઓ કેમ દેખાતા નથી બીજી તરફ પાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દરરોજ આ જ ગેટમાંથી પસાર થાય છે તેમ છતાં પોતાના જ આંગણામાંથી દબાણો હટાવવાની તેમનામાં હિંમત નથી કે પછી કોઈ છુપો આશીર્વાદ છે. તેવી ચર્ચા શહેરીજનોમાં જોરશોરથી ચાલી રહી છે. તંત્રની આ ઘોર નિષ્ક્રિયતાને કારણે દબાણકર્તાઓ એટલી હદે બેફામ બન્યા છે કે જાણે આ જાહેર રસ્તો તેમની ખાનગી માલિકીના હોય તેમ વર્તી રહ્યા છે.
