વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 30 મી ઓક્ટોબર 2026 શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાની ડીસા નજીક આવેલા ભીલડી ખાતે પધારનાર છે. વડાપ્રધાનના આ કાર્યક્રમના સુચારુ આયોજન અને તૈયારીઓના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાનના આગમન, સુરક્ષા વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળનું સંચાલન અને જનમેદનીની સુવિધા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી સીધા બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચશે અને બનાસકાંઠાની ધરા પરથી દેશભરના કરોડો અન્નદાતાઓ માટે પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાનો 24 મો હપ્તો ડિજિટલી સીધો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવીને મોટી ભેટ આપશે. આ ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન વિશાળ જનમેદનીને સંબોધિત કરશે તેમજ બનાસકાંઠાની જીવાદોરી સમાન શ્વેતક્રાંતિની અગ્રેસર મહિલા દૂધ ઉત્પાદકો, પ્રગતિશીલ ખેડૂતો અને યુવાનો સાથે સીધો સંવાદ સાધીને તેમની સફળતા અને અનુભવો વિશે ચર્ચા કરશે. આ કાર્યક્રમ દરમ્યાન વડાપ્રધાનના હસ્તે બનાસડેરીના મહત્ત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ખાતમુર્હુત સંપન્ન થશે. જેમાં મુખ્યત્વે ભીલડી ખાતે 127 એકર વિસ્તારમાં રૂા.325 કરોડના ખર્ચે નવનિર્મિત ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ કેન્દ્ર ઓપીયુ-આઈવીએફ અને ભ્રુણ પ્રત્યારોપણ જેવી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓથી સજ્જ છે જે વાર્ષિક 25,000 ભ્રુણ ઉત્પાદનના લક્ષ્ય સાથે દેશી પશુઓની ઓલાદ સુધારણા અને ઉત્પાદકતા વધારવામાં સીમાચિહનરૂપ સાબિત થશે. આ ઉપરાંત બનાસડેરીના પાલનપુર સંકુલ ખાતે અત્યાધુનિક ઓટોમેટેડ સ્ટોરેજન એન્ડ રિટ્રીવલ સિસ્ટમ તથા સણાદર સ્થિત બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટના ક્ષમતા વિસ્તરણ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે. સાથોસાથ ગ્રીન એનર્જીને વેગ આપવા માટે રાધનપુર અને થરાદ ખાતે પશુઓના છાણ આધારીત બનાસ બાયો-સીએનજી પ્લાન્ટનું ખાતમુર્હુત કરવામાં આવશે. આ પ્રસંગે અધિકારીઓને માર્ગદર્શન આપતાં કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન સાધીને સંપૂર્ણ સજ્જતા સાથે કામગીરી સુનિશ્ચિત કરે. તેમણે કાર્યક્રમ સ્થળે કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન, પીવાના પાણી, આરોગ્ય અને ઈમરજન્સી સેવાઓ, પાર્કિંગ તેમજ ફાયર સેફ્ટી જેવી મુળભુત સુવિધાઓમાં લેશમાત્ર ક્ષતિ ન રહે તે દિશામાં ખેડૂતો અને નાગરિકોને કાર્યક્રમ સ્થળે પહોંચવામાં કે પરત ફરવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે પ્રોટોકોલ મુજબની સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવે અને સમયપાલનનું ચુસ્તપણે પાલન થાય. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ સહિત જિલ્લાના તમામ સંબંધિત ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો