બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના રાજપુર ગામની ધન્યધરા પર આવેલા ગોવર્ધન ગ્રીન્સ ખાતે આગામી તા.27 નવેમ્બરથી 3 ડિસેમ્બર, 2026 દરમ્યાન વિરમભાઈ હેમરાજભાઈ આલ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અલૌકિક શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે વિશ્વવિખ્યાત ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા પોતાના મુખેથી દરરોજ સવારે 09-30 થી બપોરે 01-00 કલાક સુધી ભક્તોને કથામૃતનું રસપાન કરાવશે. કથાના પ્રથમ દિવસે એટલે કે 27 નવેમ્બર શુક્રવારના રોજ સવારે 7 થી 9 વાગ્યા દરમ્યાન ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં અનન્ત વિભૂષિત પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહી દીપ પ્રાગટય અને આશીર્વચન પાઠવશે. આ સમગ્ર ધર્મોત્સવના મુખ્ય નિમંત્રક અને આયોજન અમૃતભાઈ વિરમભાઈ આલ તથા ટ્રસ્ટ પરીવાર દ્વારા આ ઐતિહાસિક આયોજનને સફળ બનાવવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કથા સ્થળે 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓ એકસાથે બેસીને કથા શ્રવણ કરી શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરાયો છે. બહારગામથી પધારનાર સંતો-મહંતો અને મહેમાનોના ઉતારા માટે અલગ-અલગ સ્થળોએ 100 રૂમની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત, વાહનો માટે વિશાળ પાર્કિંગ અને ભક્તોની સુવિધા માટે એકસાથે ચાર ભોજનાલય શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં એક જ સમયે 7 હજાર જેટલા શ્રદ્ધાળુઓ પ્રેમપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો જેવા કે તા. 30 નવેમ્બરના રોજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ, તા.1 ડીસેમ્બરના રોજ ગોવર્ધન પૂજા અને તા.2 ડીસેમ્બરના રોજ રૂક્ષ્મણિ વિવાહ બપોરે 12:30 કલાકે ધામધુમથી ઉજવાશે. આ સાથે જ તા.1 થી 4 ડિસેમ્બર દરમ્યાન બ્રહ્મકાલીન મહંત વિજયપુરીજી ગુરુ વિરમપુરીજી મહારાજના ભવ્ય ભંડારાનું પણ આયોજન કરાયું છે. આ ભગીરથ અને ઐતિહાસિક ધર્મકાર્યના મુખ્ય પ્રણેતા, નિમંત્રક અને વિરમભાઈ હેમરાજભાઈ આલ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદના અમૃતભાઈ વિરમભાઈ આલે પોતાની ઉમદા ભાવના વ્યકત કરતાં જણાવ્યું હતું કે આ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક આયોજન પૂરતો સીમિત નથી. પરંતુ તેના માધ્યમથી સામાજિક સમરસતાનો સેતુ રચાય અને દરેક સમાજનું પુરું સન્માન જળવાય તે છે. તેમણે અત્યંત સંવેદનશીલતા સાથે ઉમેર્યું હતું કે દરેક સમાજની દીકરી મારી પોતાની દીકરી સમાન છે. અને સૌ કોઈ એક પરિવારની ભાવનાથી આ ધર્મોત્સવમાં જોડાય તે જ મારો સાચો સંકલ્પ છે. શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે આયોજક પરિવાર દ્વારા રાત-દિવસ મહેનત કરીને કથા શ્રવણ, મહાપ્રસાદ અને ઉતારાની અત્યંત સુચારુ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર બનાસકાંઠા પંથકમાં આ ભવ્ય આયોજનને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આયોજક અમૃતભાઈ વિરમભાઈ આલ તથા સમગ્ર આલ પરીવાર દ્વારા સૌ ધર્મપ્રેમી જનતાને આ પાવન અવસરનો લાભ લેવા સહપરિવાર પધારવા હૃદયપૂર્વકનું ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સાથે આ કાર્યક્રમમાં ધર્મગુરુઓ, ગુરુગાદીઓ, સંતો-મહંતો, વિધાનસભાના અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સહકારી આગેવાનો, અધિકારીઓ સહિત ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો