રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને કલાયમેન્ટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ખાતમુર્હુત કરાયું હતું. મંત્રીએ એસ.આર.પી.ગ્રાઉન્ડ મડાણા ખાતેથી ગવર્મેન્ટ એમ્પ્લોય પ્રીમિયર લીગ 3 નો પ્રારંભ કરાવીને પોતાના પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.
મંત્રી પ્રવીણભાઈ માળીએ અમીરગઢ તાલુકાના કપાસીયા ખાતેથી કુલ રૂપિયા 42.84 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ ચાર રસ્તાઓનું ખાતમુર્હુત કર્યું હતું. જેમાં રૂ.10 કરોડના ખર્ચે ડાભેલા-અમીરગઢ-અંબાજી રોડ, રૂ.15 કરોડના ખર્ચે એન.એચ ટુ સરોત્રા - કપાસીયા રોડ, રૂ.14 કરોડના ખર્ચે ઈકબાલગઢ - ખારા રસ્તો તથા રૂ.3.84 કરોડના ખર્ચે અમીરગઢ - ખાપા રોડનું રીસરફેસિંગ, મજબુતીકરણ અને રોડ ફર્નિશિંગની કામગીરી કરાશે. સદર ચાર રસ્તાઓથી ડાભેલા, અમીરગઢ, ઉપલોબંધ, નીચલોબંધ, સરોત્રા, ઘાંટા, કપાસીયા, ઈકબાલગઢ, ચૌહાણગઢ, માનપુરીયા, ખારા, અવાળા સહિતના ગામના નાગરિકોને સુગમ, સલામત અને ઝડપી પરિવહનની સુવિધા મળશે તેમજ આદિજાતિ વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસને નવી ગતિ મળી રહેશે. આ તમામ ચાર રસ્તાઓની કુલ લંબાઈ 48 કિલોમીટર સુધીની રહેશે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે આદિજાતિ વિસ્તારના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારના વિકાસ માટે વર્ષ 2025-26 ના બજેટમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 30 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. વસુધૈવ કુટુંબની ભાવના સાથે રાજ્ય સરકારે દરેક વર્ગની ચિંતા કરીને છેવાડાના વ્યક્તિના વિકાસ માટે કાર્યો કર્યા છે. આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા અને માળખાગત સુવિધાઓમાં વધારો કરીને લોકોને ઘરે આંગણે સરકારી યોજનાઓના લાભ પહોંચતો થયો છે. મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, પી.એમ.જે.વાય. આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગુજરાતમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે જેનાથી છેવાડાના વ્યક્તિને કોઈની પણ પાસે હોસ્પિટલ જવા માટે રૂપિયા માંગવા નથી પડતા. આજે ગ્રામીણ વિસ્તારની દિકરીઓ શિક્ષણ મેળવીને વિવિધ ક્ષેત્રે આગળ વધી આત્મનિર્ભર બની છે. આવનાર સમયમાં અમીરગઢ વિધાનસભા વિસ્તારમાં અનેક વિકાસના કાર્યો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.










