ભારત સરકાર દ્વારા દર વર્ષે તા.5 થી 12 ઓક્ટોબર દરમ્યાન આરટીઆઈ વિક સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગ દ્વારા માહિતીનો અધિકાર અધિનિયમ,2005નું અમલીકરણ અને જવાબદારીનું સુદ્રઢીકરણ વિષય પર વિશેષ પરિસંવાદ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના જાહેર માહિતી અધિકારીઓ તથા પ્રથમ અપીલ સત્તાધિકારીઓ જિલ્લા કલેકટર કચેરી, પાલનપુર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પરિસંવાદમાં સક્રિયપણે જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ આર.ઐયરે કાયદાના અસરકારક અમલીકરણ અને સુચારુ વહીવટ માટે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે માહિતી અધિકાર અધિનિયમ, 2005 ના અમલીકરણ અને અરજદારોને સમયસર માહિતી મળી રહે તે માટે જાહેર માહિતી અધિકારીઓએ અરજીઓનો જવાબ આપતી વખતે સંબંધિત રેકોર્ડની યોગ્ય ચકાસણી કરી નિયમોનુસાર કાર્યવાહી કરવી જોઈએ. અરજદારો સાથે સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર રાખી, કાયદાની જોગવાઈઓ અનુસાર માહિતી પૂરી પાડવા પર ભાર મુકવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનની ડાયરી અને સીસીટીવી ફુટેજ જેવી માહિતીની અરજીઓમાં સંબંધિત વિગતો, સમયગાળો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. સીસીટીવી ફૂટેજ અથવા અન્ય રેકોર્ડની માંગણી કરવામાં આવે ત્યારે નિયમોનુસાર તેની જાળવણી કરવી પણ જરૂરી છે. જેથી અપીલ કે સુનાવણી દરમ્યાન સંબંધિત પુરાવા ઉપલબ્ધ રહી શકે. આ ઉપરાંત સરકારી કચેરીઓ દ્વારા સ્વૈચ્છિક માહિતી પ્રગટ કરવાની જોઈવાઈઓનું સમયસર પાલન કરવા અને સંબંધિત માહિતી પોર્ટલ પર અપલોડ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો