ગુજરાત સરકારના લોકઉપયોગી અને જનહિતકારી અભિયાન તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. ડીસા રૂરલ પોલીસ મથક વિસ્તારમાં બનેલા લૂંટના એક ગંભીર ગુનાનો પર્દાફાશ કરીને પોલીસે લુંટમાં ગયેલ રૂ.27.44 લાખની કિંમતનો ચાંદીના ઘરેણાંનો પુરેપુરો મુદ્દામાલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મુળ માલિકને પરત કરવામાં આવ્યો છે. અમદાવાદની મેક્સીમમ અને એન્ટરપ્રાઈઝ હોલસેલ ચાંદીના દુકાનમાં કામ કરતા કર્મચારીઓ અમદાવાદથી ચાંદીના દાગીના લઈને પરત ધાનેરા આવી રહ્યા હતા. તે દરમ્યાન ડીસાના ટેટોડા ગામ નજીક હાઈવે રોડ ઉપર અજાણ્યા ઈસમોએ ફરીયાદીની ગાડીને રોકી, તેમને ઈજાઓ પહોંચાડીને ગાડીમાંથી ચાંદીના દાગીનાની લુંટ ચલાવી હતી. આ લુંટમાં આશરે રૂા.27.44 લાખની કિંમતનું કુલ 12.160 કિલોગ્રામ ચાંદીની લુંટ થઈ હતી. આ અંગે ભોગ બનનાર દ્વારા ડીસા રૂરલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને બનાસકાંઠા એલ.સી.બી.ની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિણામે પોલીસે ગણતરીના કલાકોમાં જ અંધારામાં રહેલા લુંટના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ અલ્ટ્રોઝ કાર સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી લુંટાયેલો પુરેપુરો મુદ્દામાલ સફળતાપૂર્વક કબ્જે કર્યો હતો. આ જટિલ અને ગંભીર ગુનાને ટૂંક સમયમાં ઉકેલવા બદલ બનાસકાંઠાએલ.સી.બી.ના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ.રાઠોડ તથા તેમની ટીમનાં હેડ.કો.રાજેશકુમાર શંકરલાલ, પો.કો.કાનસિંઘ બળવંતસિંઘ અને પો.કો.મુકેશકુમાર શાંતીલાલની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ તમામ પોલીસકર્મીઓને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રશંસાપત્ર આપીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના આ લોકઉપયોગી અભિયાન અંતર્ગત છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કુલ 538 જેટલા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ આ કાર્યક્રમો દ્વારા જિલ્લામાં કુલ રૂા.4.66 કરોડથી વધુનો ખોવાયેલ કે લુંટાયેલ કિંમતી મુદ્દામાલ શોધીને સાચા અને મુળ માલિકોને પરત કરવામાં આવ્યો છે. જે પોલીસ પ્રત્યે જનતાનો વિશ્વાસ વધુ મજબુત બનાવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો