આગામી વસ્તી ગણતરીના બીજા તબક્કાની કામગીરી સુચારુ અને ક્ષતિરહિત રીતે પાર પાડવાના હેતુસર પાલનપુર ખાતે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ માટે બે દિવસીય વિશેષ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના નોડલ ઓફિસર પિનલ શાહે પ્રથમ તબક્કામાં થયેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવિ બીજા તબક્કાની રૂપરેખા રજૂ કરી હતી. તાલીમમાં ઉપનિર્દેશક નલીમાબેન ચોરાસીયાએ પ્રથમ તબક્કાની કામગીરી અંગે જણાવ્યું હતું કે આગામી તા.25/12/2026 સુધીમાં ફિલ્ડ ટ્રેનરોની અને તા.15/01/2027 સુધીમાં ગણતરીદારો તથા સુપરવાઈઝરોની તાલીમ પૂર્ણ થયા તેવું આયોજન કરાશે જેથી તા.25/01/2027 થી તા.25/02/2027 દરમ્યાન બીજા તબક્કાની વસ્તી ગણતરીની કામગીરી સમયસર શરૂ કરી શકાય. પ્રથમ દિવસે નોડલ ઓફિસર પિનલ શાહ દ્વારા વહીવટી અધિકારીઓ અને કારકુનોની ભુમિકા, સીએમએમએસ પોર્ટલના પીઈ મોડયુલમાં એન્યુમરેટર બ્લોકની રચના, લોજિસ્ટિક ડેશબોર્ડ, મેપ કાર્વિંગ, સીમાંકન નક્કી કરી લે-આઉટ નકશા તૈયાર કરવા તેમજ પોર્ટલમાં હાઉસ લિસ્ટ અને ચાર્જ રજિસ્ટરની તૈયારી અંગે વિસ્તૃત તાંત્રિક માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. તાલીમના બીજા દિવસે પ્રથમ દિવસના મુદ્દાઓનું પુનરાવર્તન કર્યા બાદ પીઈ મોબાઈલ એપ્લિકેશનની કાર્યપદ્ધતિ અને પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત જનગણનાની વિભાવના અને વ્યાખ્યાઓ સ્પષ્ટ કરી ગણતરીમાં સામાવિષ્ટ 1 થી 40 પ્રશ્નોનું ઝીણવટભર્યું નિરીક્ષણ અને ડેટાની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સત્રના અંતે એસ.ઈ. પોર્ટલમાં વહીવટકર્તાઓની જવાબદારી, પ્રચાર પ્રવૃત્તિઓ, પ્રિન્ટિંગ તથા લોજિસ્ટિક કિટના સંચાલન અંગે સૌને અવગત કરાયા હતા. તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવવામાં આવેલી માર્ગદર્શિકાનો ઉંડાણપૂર્વક અભ્યાસ કીર ચોક્કસાઈપૂર્વક કામગીરી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ બે દિવસીય તાલીમ કાર્યક્રમમાં બનાસકાંઠા નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ, સેન્સસ ઓફિસ ગાંધીનગરના ઉપનિર્દેશક નલીમાબેન ચોરાસીયા, બનાસકાંઠા-પાલનપુરના નોડલ ઓફિસર પિનલ શાહ, વાવ-થરાદના નોડલ ઓફિસર અર્જુનસિંહ સહિત બંને જિલ્લાના વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
