બનાસકાંઠા જિલ્લાના રમુણ ગામે આવેલ જીઈબીના 66 કે.વી.સબ સ્ટેશનમાં એક જ જગ્યાએ બે-બે વાર ફેન્સિંગ વાયર કાપીને વિજળીના રીએક્ટર ચોરી કરનાર સૌરાષ્ટ્રની શાતિર રીએક્ટર ચોર ગેંગનો બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે આશરે 200 થી વધુ સીસીટીવી કેમેરાના સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ડીસા નજીક ભોયણ ગામ પાસે હાઈવે રોડ પરથી ગેંગના મુખ્ય સુત્રધાર કૌશિક સાગઠીયા અને આકાશ વિકાણીને કાર, ર રીએક્ટર અને મોબાઈલ ફોન મળી કુલ રૂા.3.15 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ થી વધુ ચોરીઓના ગુનાનો ભેદ ઉકેલ આવ્યો છે. ડીસા રૂરલ પોલીસ મથક વિસ્તારના રમુણ ગામે આવેલ 66 કે.વી. જીઈબી સબ સ્ટેશનમાં જુલાઈ-2026 માં રીએક્ટરની ચોરી થઈ હતી. ત્યારબાદ તા.27/10/2026 થી 28/10/2026 ની રાત્રિ દરમ્યાન ફરીથી ફેન્સિંગ વાયર કાપીને રૂા.1.40 લાખની કિંમતના ત્રણ રીએક્ટરની ચોરી થઈ હતી. એક જ સ્થળે વારંવાર ચોરી થતાં જીઈબીના જૂનિયર એન્જિનિયર દિનેશભાઈ રાજગોર દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી હતી. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સુચના હેઠળ એલસીબી પીઆઈ ડી.એમ.રાઠોડના સુપરવિઝનમાં પીએસઆઈ આર.બી.જાડેજા તથા જે.એસ.ગઢવીની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. એલસીબીની ટીમે રમુણથી રાધનપુર અને થરાદથી રમુણ સુધીના 200 થી વધુ સીસીટીવી કેમેરાનું સઘન સર્વેલન્સ હાથ ધર્યું હતું. જેમાં સફેદ રંગની ઈન્ડિગો કાર ચોરીમાં વપરાઈ હોવાનું અને તે સૌરાષ્ટ્ર તરફથી આવતી હોવાનું માલુમ પડયું હતું. માહિતી અને બાતમીના આધારે પોલીસે ડીસા નજીકના ભોયણ ગામ પાસે હાઈવે પર ઘેરાબંધી કરીને બે આરોપીઓ કૌશિકભાઈ સોમાભાઈ સાગઠીયા મુળ રહે.પાદરડી(નાનડિયા), તા.માણાવદર, જી.જુનાગઢ હાલ રહે.કુવાડવા ગૌશાળા સામે, રાજકોટ અને આકાશ સુરેશભાઈ હંસરાજભાઈ વિકાસણી રહે.કાલિકા પ્લોટ, તા.જી.મોરબીવાળાને કાર સાથે ઝડપી લીધા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો