સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે રવિવારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તેમજ વાવ-થરાદ વિસ્તાર ખાતે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. તેઓ સવારે પાલનપુર સ્થિત બનાસ ડેરી પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા. પ્રવાસની શરૂઆતમાં રાજ્યપાલે બનાસ ડેરી કેમ્પસમાં આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ, ડેરીના બોર્ડ રૂમમાં બનાસ ડેરીની કામગીરી, વિકાસલક્ષી પહેલો અને સહકારી માળખાની સફ્ળતા અંગે પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત તથા ઉત્તરપ્રદેશની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલે ચીઝ પ્લાન્ટ, યુએચટી પ્લાન્ટ તથા વ્હી પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયાની માહિતી મેળવી હતી.


આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, બનાસ ડેરીનું સહકારી મોડેલ આજે દેશ માટે ગૌરવ સમાન છે. બનાસના પશુપાલકોએ દૂધ ઉત્પાદન સાથે સાથે વિવિધ વ્યવસાયો ઉભા કરીને આત્મનિર્ભરતા તરફ્ મક્કમ પગલું ભર્યું છે. ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણમાં બનાસ ડેરીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બનાસની ધરા પરથી એ સંકલ્પ લઈએ કે, ઉત્તરપ્રદેશમાં પણ શ્વેત ક્રાંતિ થકી યુવા વર્ગને આગળ વધારીને તેમને આત્મનિર્ભર બનાવીએ. તેમણે વધુમાં જણાવ્યું કે બનાસ ડેરીએ દેશમાં દૂધ ક્રાંતિ સર્જી છે. આશરે 5.50 લાખ પશુપાલકો સાથે જોડાયેલી ડેરી દરરોજ 1 કરોડ લિટરથી વધુ દૂધ ઉત્પાદન કરે છે અને છેલ્લા દસ વર્ષમાં ટર્નઓવર 4,000 કરોડથી વધીને 21,500 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. ડેરી હવે આઠ રાજ્યોમાં વિસ્તરી છે અને 8,840થી વધુ દૂધ સહકારી મંડળીઓ તથા આશરે 30 લાખ પશુઓ સાથે જોડાયેલી છે. દૂધ ઉત્પાદન ઉપરાંત બનાસ ડેરી બાયો-સીએનજી, બટાકા પ્રોસેસિંગ, તેલ ઉત્પાદન, કેટલ ફીડ, સોઇલ હેલ્થ લેબ, એમ્બ્રિયો પ્લાન્ટ, મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જેવી સેવાઓ દ્વારા સર્વાંગી વિકાસનું મોડેલ ઉભું કર્યું છે. ડેરી 1,180થી વધુ પ્રોડક્ટ્સ બનાવે છે, જે 52 દેશોમાં પહોંચે છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં 55થી વધુ ઉમંગ મોલ શરૂ કર્યા છે. દૂધ અને ગોબર આધારિત આવકથી લાખો મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. ડેરી દ્વારા ટેક-હોમ રાશન, સીડબોલ વાવેતર અને તળાવો નિર્માણ જેવા કાર્યો પણ કરવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: