પાલનપુર શહેરના વોર્ડ નંબર-3 માં પીવાના પાણીનો મુખ્ય વાલ્વ બગડતાં છેલ્લા બે દિવસથી પાણી પુરવઠાની સમસ્યા વકરી છે. એક દિવસ સુધી પાણીનો સપ્લાય બંધ રહેતાં શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી. આ સ્થિતિ વચ્ચે 1.50 લાખની વસ્તી ધરાવતા શહેરમાં નગરપાલિકા પાસે માત્ર એક જ અને તે પણ જર્જરીત ટેન્કર હોવાની હકીકત સામે આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાલનપુર શહેરના વોર્ડ નંબર-3 માં પીવાના પાણીની લાઈનનો મુખ્ય વાલ્વ ખરાબ થતાં અનેક વિસ્તારોમાં એક દિવસ સુધી પાણી પુરવઠો ઠપ રહ્યો હતો. લીલાશાહ કુટિયા પાસે આવેલા પાણીના ટાંકા મારફતે શિવનગર, આસોપાલવ, કોલેજ કમ્પાઉન્ડ, ભાગ્યોદય, શક્તિનગર અને નેમિનાથ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવે છે. મુખ્ય વાલ્વમાં ખામી સર્જાવાની જાણ થતાં પાણી પુરવઠા વિભાગની ટીમ સમારકામ માટે પહોંચી હતી અને નવો વાલ્વ બેસાડવાની કામગીરી શરૂ કરી હતી. જો કે સમારકામ બાદ બીજા દિવસે સપ્લાય ફરી શરૂ કરવામાં ટેકનિકલ ખામી સર્જાતાં સવારના સમયે પણ રહીશોને પાણી મળી શક્યું નહોતું. જેના કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી હતી. પાણી અછત વચ્ચે શિવનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ શહેરની અંદાજે દોઢ લાખની વસ્તી સામે નગરપાલિકા પાસે માત્ર એક જ પાણીનું ટેન્કર હોવાની બાબત સપાટી પર આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ એકમાત્ર ટેન્કર પણ જર્જરીત અવસ્થામાં છે અને તેની ટાંકીમાંથી ચારેય બાજુ પાણીનું લીકેજ થતું હોવાથી રસ્તા પર જ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. સરકાર તરફથી વિવિધ વિકાસકામો અને સુવિધાઓ માટે પાલિકાને લાખો રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે પુરતી સંખ્યામાં ટેન્કર ઉપલબ્ધ ન હોવા મુદ્દે શહેરીજનોમાં નારાજગી પ્રવર્તિ રહી છે. વહેલી તકે નવા ટેન્કર વસાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. બીજી તરફ, પાણી પુરવઠા વિભાગના સુપરવાઈઝરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ટાંકો ભરાયા બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.