સમાજમાં એકતા, સંગઠન અને ભાઈચારાની ભાવનાને વધુ મજબુત કરવાના પવિત્ર ઉદ્દેશ સાથે અખિલ આંજણા પટેલ યુવા મહાસભા દ્વારા પાલનપુરના ચડોતર ગામે રાષ્ટ્રીય યુવા સ્નેહમિલન અને ખેલ મહાકુંભનો આરંભ થયો છે. તા.16મીથી તા. 18મી નવેમ્બર સુધી ચાલનારા આ મહાકુંભમાં ભારતમાંથી આવેલા 50 હજારથી વધુ લોકો અને ર હજારથી વધુ રમતવીરો સહભાગી બન્યા છે. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અખિલ આંજણા પટેલ યુવા મહાસભા દ્વારા પાલનપુરના ચડોતર ખાતે ભવ્ય રાષ્ટ્રીય યુવા સ્નેહમિલન તેમજ રાષ્ટ્રીય ખેલ મહાકુંભનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. સમાજમાં એકતા, સંગઠન અને ભાઈચારાની ભાવના વધુ મજબુત બને તથા યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવે તેવા શુભ આશય સાથે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં સમગ્ર ભારતભરના ખુણેખુણેથી અને 18 જેટલા રાજ્યોમાંથી અંદાજે 50 હજારથી વધુ યુવાનો, માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો અને સામાજિક આગેવાનો વિશાળ સંખ્યામાં ઉમટી પડયા હતા. આ ઐતિહાસિક સ્નેહમિલન પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ ચૌધરી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. અતિથિયો અને ખેલાડીઓના આગમનથી સમગ્ર પાલનપુર પંથકનો માહોલ ઉત્સાહમય અને ઉર્જાવાન બની ગયો છે. સ્નેહમિલન બાદ રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવા અને ખેલદિલીની ભાવના વિકસાવવા માટે 16,17 અને 18 નવેમ્બર દરમ્યાન ડે-નાઈટ ખેલ મહાકુંભનો મહાસંગ્રામ યોજાશે. આ રમતોત્સવની સૌથી મોટી અને પ્રેરણાદાયી વિશેષતા એ છે કે તેમાં દેશભરમાંથી આવેલા ર હજાર જેટલા યુવા રમતવીરોની સાથે-સાથે આપણા વડલાઓ અને બાપ-દાદાની ઉંમરના વડીલો, જેમને પાયાવાળા કાકાઓ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પણ ઉત્સાહભેર મેદાનમાં ઉતરીને રમતગમતનો આનંદ માણવાના છે. આ મહાકુંભમાં ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી, ચેસ અને રસ્સાખેંચ એમ કુલ પ વિવિધ મુખ્ય રમતોની સ્પર્ધાઓ યોજવામાં આવી છે. દરેક રમતનું સંચાલન યોગ્ય અને પારદર્શક રીતે થાય તે માટે ક્રિકેટ, વોલીબોલ અને રસ્સાખેંચ જેવી રમતોની અલગ-અલગ કમિટીઓ બનાવવામાં આવી છે. નિષ્પક્ષ રમત માટે રેફરી અને એમ્પાયર પણ ખાસ બહારથી બોલાવવામાં આવ્યા છે. દેશભરમાંથી આવતી વિવિધ ટીમો અને ખેલાડીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે આયોજકો દ્વારા સચોટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બહારગામથી આવતા તમામ ખેલાડીઓ માટે રમવાની, જમવાની તેમજ રાત્રિ રોકાણ અને આરામ કરવાની તમામ અત્યાધુનિક સુવિધાઓ ખેલ મહાકુંભના ગ્રાઉન્ડની અંદર જ ઉભી કરવામાં આવી છે. જેથી ખેલાડીઓ નિશ્ચિત બનીને પોતાનું શ્રોષ્ઠ પ્રદર્શન કરી શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો