યાત્રાધામ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમના મહામેળા 2026 નિમિત્તે મા અંબાના દર્શનાર્થે આવતા લાખો પદયાત્રીઓની નિઃશુલ્ક સેવા અર્થે દાંતા શીત કેન્દ્ર ખાતે બનાસ મેડીકલ સેવા કેમ્પનો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.(બનાસડેરી), પાલનપુર તથા બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સેવા કેમ્પનું વિધિવત ઉદ્ધાટન અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે બનાસ ડેરી અને મેડીકલ કોલેજના હોદ્દેદારો, તબીબો તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજીનો ભાદરવી મેળોએ ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો પવિત્ર સંગમ છે. સેવા પરમો ધર્મના મૂળભુત સંસ્કારો સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓ, વહીવટી તંત્ર અને નાગરિકો સાથે મળીને માઈભક્તોની સેવામાં લીન બન્યા છે. તેમણે બનાસડેરી અને મેડીકલ કોલેજની ટીમ દ્વારા દર્શાવવામાં આવેલી સેવાકીય ભાવનાને બિરદાવતા જણાવ્યું કે દરેક યાત્રિક સુખરૂપ દર્શન કરી શકે તે માટે આરોગ્ય સુરક્ષાનું સુચારુ આયોજન અહીં કરવામાં આવ્યું છે. અધ્યક્ષે તમામ માઈભક્તો અને સ્વયંસેવકોને અંબાજી મહામેળાને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા હૃદયપૂર્વક આહવાન કર્યું હતું. યાત્રા દરમ્યાન કચરો માત્ર નિયત કચરાપેટીમાં જ નાખવો એ પણ મા અંબાની ઉત્તમ સેવા અને સાચી ભક્તિ છે. ભાદરવી પુનમ દરમ્યાન પ્રકૃતિ અને પર્યાવરણનું યોગ્ય સંવર્ધન થાય તેવી રચનાત્મક પ્રવૃત્તિઓ અપનાવી યાત્રાધામ અંબાજી અને સમગ્ર માર્ગને સ્વચ્છ રાખવામાં સહભાગી બનતા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેમ્પમાં પદયાત્રીઓની ત્વરીત અને ઉચ્ચસ્તરીય સારવાર માટે બનાસ મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓની વિવિધ ટીમો 24 કલાક સેવારત રહેશે. પગપાળા ચાલીને આવતા ભક્તોમાં થાક, ડીહાઈડ્રેશન, સ્નાયુનો દુઃખાવો કે ઈજા જેવી તકલીફોના પ્રાથમિક ઉપચાર ઉપરાંત કોઈપણ પ્રકારની ગંભીર કે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેમ્પ સ્થળે આધુનિક સાધનોથી સજ્જ આઈસીયુ જેવી ઈમરજન્સી તબીબી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો