ભરૂચના પાલેજ ટાઉન સહિત પંથકમાં આજરોજ વહેલી સવારે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને જોતજોતામાં આકાશામાં કાળા ડીબાંગ વાદળો ગોરંભાયા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જુન માસ આખો વીતી ગયા છતાં વરસાદ ન વરસતા નગરજનો સહિત ધરતીપુત્રોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. દરમિયાન પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સવારથી જ સમયાંતરે વીજળીના ચમકારા તેમજ મેઘગર્જના સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવા પામી હતી. નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. ગરમીથી ત્રસ્ત નગરજનોને રાહત મળી હતી. મુખ્યત્વે ધરતીપુત્રોના હૈયે હરખની હેલી દોડી જવા પામી હતી. પ્રથમ વરસાદે જ વીજ પુરવઠો ખોરવાયો હતો. ડીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરી બાબતે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. હજુ પણ નગરના આકાશમાં વાદળો ઘેરાયેલા હોય વધુ વરસાદની શક્યતા પ્રબળ બનવા પામી છે.
