ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં ઉનાળાની શરૂઆતે જ આકરા તેવર બતાવ્યા છે. કાળઝાળ ગરમીથી બચવા અને તરસ છિપાવવા માટે વન્યજીવો હવે જળાશયો તરફ વળી રહ્યા છે. પાલીતાણાના કંજરડા ગામે શેત્રુંજય ડુંગરની હારમાળામાંથી એક આખો સિંહ પરિવાર પાણીની શોધમાં તળાવ કાંઠે ઉતરી આવતા કુતૂહલ સર્જાયું હતું.

પાણી પી તળાવ કાંઠે આરામ ફરમાવતા વનરાજ

આ સિંહ પરિવારમાં સિંહબાળોનો પણ સમાવેશ થાય છે. ભરબપોરે ડુંગર પરથી નીચે ઉતરી સિંહોએ કંજરડા ગામના તળાવે પાણી પીધું હતું અને ત્યારબાદ ગરમીથી રાહત મેળવવા તળાવના કાંઠે જ આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. સિંહોની આ શાહી લટાર અને આરામના દ્રશ્યો સ્થાનિકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા, જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

વન વિભાગે કર્યા કુત્રિમ અવેડા

શેત્રુંજય ડુંગરની આસપાસ મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. ઉનાળામાં આ પ્રાણીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે વન વિભાગ દ્વારા ડુંગરની આસપાસ કુત્રિમ અવેડા પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેમ છતાં, ગરમીનું પ્રમાણ વધતા સિંહ પરિવાર કુદરતી તળાવના કાંઠે ઠંડક મેળવવા પહોંચ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: રખડતા ઢોર પકડવા ગયેલી AMCની ટીમ પર હુમલો, 'જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી ચાર શખ્સો ફરાર