ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને આદિજાતિ વિભાગના સંયુક્ત ઉપક્રમે મોરવા (હ)ના સુલિયાત ખાતે જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક આગેવાનો અને મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં આગેવાનોએ જણાવ્યું હતું કે,પંચમહાલ જિલ્લામાં 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આદિવાસી સમાજના સ્વતંત્રતા સેનાનિઓના બલિદાનને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે.વધુમાં તેમણે ગૌરવભેર જણાવ્યું હતું કે,માત્ર 25 વર્ષની વયે બ્રિટિશ સામ્રાજ્ય સામે અબુવા દેશ, અબુવા રાજનું સૂત્ર આપી સંઘર્ષ કરનાર ભગવાન બિરસા મુંડાના યોગદાનને યાદ કરી, માનગઢ ધામના 1,500 શહીદોની ઐતિહાસિક ગાથાને નવી પેઢી સમક્ષ ઉજાગર કરવામાં આવી હતી. મોરવા હડફ્ના સુલિયાત ગામે આયોજિત આ ઐતિહાસિક કાર્યક્રમમાં ધારાસભ્ય નિમિષાબેન સુથારે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જનજાતીય ગૌરવ દિવસના અવસરે તેમણે જળ, જંગલ અને જમીનના રક્ષક તેમજ માત્ર 25 વર્ષની વયે માતૃભૂમિ માટે શહીદી વહોરનાર ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાના બલિદાનને યાદ કરીને તેમને નમન કર્યા હતા. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ દિવસ મનાવવાના નિર્ણયને બિરદાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે મોરવા હડફના સુલિયાત ચોકડી ખાતે બિરસા મુંડાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યું હતું. તદુપરાંત કાર્યક્રમ હોલ ખાતે શબરી બૂથનું ઉઘ્દાટન કરવામાં આવ્યું.આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક તથા નૃત્યની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.આ ઉપરાંત આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ તેમજ રમત ગમત ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અગ્રણી મયંક દેસાઈ,જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય,નિવાસી અધિક કલેકટર જે જે પટેલ,સંગઠનના અગ્રણીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ તથા કર્મીઓ તેમજ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
