પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામે વહીવટી તંત્ર દ્વારા આજે એક મહત્વપૂર્ણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી કડાણા ડેમના વિસ્થાપિતોને ફાળવેલી જમીન પર કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે કાચા-પાકા મકાનો બનાવી દબાણ કરવામાં આવ્યું હતું, જેને આજે તંત્રએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કર્યા હતા.


ડેમલી ગામે તંત્રની આકરી કાર્યવાહી

આ ડિમોલિશનની કામગીરીમાં DYSP બ્રિન્દા જાડેજા, PI અંકુર ચૌધરી અને સતીશ કામોળ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા 3 JCB મશીનોની મદદથી ડેમલી ગામના નવી વસાહત ફળિયા વિસ્તારમાં આવેલા 25થી વધુ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ રીતે આ કાર્યવાહી પૂર્ણ થાય તે માટે વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.

વિસ્થાપિતોને મળશે હક

વર્ષો પૂર્વે કડાણા ડેમ નિર્માણ વખતે પોતાની જમીન ગુમાવનાર અનેક અસરગ્રસ્તોને આ જમીનો ફાળવવામાં આવી હતી, પરંતુ તેના પર અન્ય લોકો દ્વારા કબજો જમાવી લેવામાં આવ્યો હતો. તંત્રના આ દબાણ હટાવ અભિયાન બાદ હવે મૂળ વિસ્થાપિતોને તેમની જમીનનો કબજો સોંપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્રના આ નિર્ણયને લઈને સ્થાનિક વિસ્થાપિતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ બાકી રહેલા તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેશે તેમ સંબંધિત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Dholka: ચલોડા ગામે SOGના દરોડા, 5.3 કિલો પોષડોડા સાથે 65 વર્ષીય વૃદ્ધ ઝડપાયો


  • Follow us on: