શહેરા : શહેરા તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદના ધમાકેદાર આગમન સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ પ્રવૃત્તિઓ વેગવંત બની છે. મબલખ પાકની આશા સાથે ખેડૂતો એગ્રો સેન્ટર ખાતે બિયારણ અને ખાતરની ખરીદી કરતા નજરે પડી રહ્યા હતા,
શહેરા તાલુકામાં ચોમાસા નો પ્રથમ વરસાદ થયા બાદ ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પરીવારજનો સાથે ખેતીકામમાં જોતરાયા હતા. તાલુકા મથક ખાતે આવેલા શ્રીજી સીડ્સ સહિત અન્ય એગ્રો સેન્ટર ખાતે બીયારણ અને ખાતરની ખરીદી માટે ખેડૂતોની ભીડ જોવા મળી હતી.ચાલુ વર્ષે વૈશ્વિક પરિબળો અને પરિવહન ખર્ચ વધવાના કારણે ખાતર અને બિયારણના ભાવમાં ગત વર્ષની સરખામણીએ અંદાજે 5 ટકાથી લઈને 10 ટકા જેટલો ધરખમ વધારો થયો હતો. મોંઘવારીના આ સમયમાં ખેતીની સામગ્રી મોંઘી થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના ખેડૂતોના બજેટ પર આર્થિક બોજ ચોક્કસપણે વધ્યો છે. તેમ છતાં, ચાલુ વર્ષે ચોમાસું સારૂ રહેશે અને કુદરત મહેરબાન થશે તેવી અનેક આશા-અપેક્ષાઓ સાથે ધરતીપુત્રો મોંઘા ભાવના બિયારણ અને ખાતરની ખરીદી કરતા નજરે પડી રહ્યા હતા.










