બોડેલી તાલુકાના ચાપરગોટા પંથકમાં પખવાડિયામાં ત્રણ દીપડા પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. જબુગામ નજીકના બૈડી ફ્ળિયા, તેજાવાવ, ચાપરગોટા સહિતના વિસ્તારમાં 4 દીપડા એકસાથે ફરતા હોવાના વીડિયો સામે આવ્યો હતો.

તાલુકા વિસ્તારમા દીપડાની વધતી અવરજવરને પગલે વનવિભાગે અલગ-અલગ સ્થળે પાંજરા ગોઠવી કામગીરી શરૂ કરી હતી. જેમાં માત્ર 15 દિવસમાં ત્રણ દીપડા ઝડપાયા છે. જોકે, હજુ એક દીપડો આ વિસ્તારમાં હોવાની આશંકા હોવાથી વનવિભાગે તેની શોધખોળ શરૂ કરી વધુ એક પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. જંગલ નજીકના ગામોમાં જાગૃતિ શિબિરો યોજી ગ્રામજનોને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરાઇ છે. અગાઉ મોટા વાજપુર ગામે દીપડાના હુમલામાં બાળકીના મોતની ઘટના બની હતી.

પખવાડિયામાં ત્રણ દીપડા ઝડપાતા હાલ ચાપરગોટા સહિતના પંથકમાં રાહતનો માહોલ છે. પરંતુ બાકી રહેલા એક દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગની કામગીરી યથાવત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો