અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. ગોધરા અને દાહોદ વચ્ચે પાનમ નદી પર આવેલો અને છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલો એક તરફનો બ્રિજ આખરે રિપેરિંગ કામગીરી પૂર્ણ થયા બાદ વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ અને નેશનલ હાઇવેના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બ્રિજનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.



જર્જરિત હોવાના કારણે 3 વર્ષથી બંધ હતો બ્રિજ

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ગોધરા અને દાહોદ વચ્ચે પાનમ નદી પર બનેલો આ બ્રિજ ખૂબ જ જૂનો થઈ ગયો હતો. બ્રિજ જર્જરિત અને જોખમી જણાતાં સુરક્ષાના કારણોસર તેને છેલ્લા ત્રણ વર્ષથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો. બ્રિજ બંધ હોવાને કારણે હાઇવેનો તમામ ટ્રાફિક નદી પરના એકમાત્ર સિંગલ બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેના લીધે અહીં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.


સાંસદ જસવંતસિંહ પરમારની સક્રિયતાથી કામ પૂર્ણ થયું

આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર દ્વારા સમગ્ર મામલે ત્વરિત હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમણે સંબંધિત વિભાગ સાથે સતત સંકલન સાધીને બ્રિજના રિપેરિંગની કામગીરી ઝડપથી હાથ ધરી પૂરી કરાવી હતી.


અધિકારીઓની હાજરીમાં વિધિવત લોકાર્પણ

આજે નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ અને સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં બ્રિજને લોકાર્પિત કરવામાં આવ્યો હતો. આ બ્રિજ ફરી શરૂ થતાં જ હાઇવે પર વન-વે ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો છે અને ગોધરા-દાહોદ તેમજ મધ્યપ્રદેશ તરફ જતા-આવતા ભારે અને નાના વાહનોની અવરજવર હવે વધુ સુગમ અને સુરક્ષિત બનશે.


આ પણ વાંચો - Panchmahal: શહેરાના પરવડી વિસ્તારમાં ગટર ઊભરાતા ગંદા પાણીની રેલમછેલ


  • Follow us on: