પંચમહાલ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.જ્યાં પાનમ ડેમની મુખ્ય લાઈનમાંથી છેલ્લા કેટલાક દિવસોથી હજારો લીટર પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે.શહેરા ગોધરા હાઈવે પર આવેલી પસનાલ ચોકડી નજીક આ ઘટના બની છે.જ્યાં પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાવાને કારણે પાણી રસ્તા પર વહી રહ્યું છે.એક તરફ ઉનાળાની શરૂઆતમાં આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીની સખત તંગી વર્તાઈ રહી છે. બીજી તરફ આ પ્રકારે થઈ રહેલા પાણીના વેડફાટને કારણે સ્થાનિક નાગરિકોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.


પીવાના પાણી માટે વલખાં 

ઉનાળાની ધોમધખતી ગરમીમાં આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.જ્યારે પસનાલ ચોકડી પાસે તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને લીધે નદીઓની જેમ પાણી વહી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કેટલાક દિવસોથી આ સમસ્યા સર્જાઈ હોવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.સરકારી તંત્રની આ આળસુ નીતિને કારણે દરરોજ લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે, જે એક ચિંતાનો વિષય બન્યો છે.

રહીશોમાં તંત્ર વિરૂદ્ધ ઉગ્ર રોષ ફાટી નીકળ્યો

આ ગંભીર પરિસ્થિતિને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર વિરૂદ્ધ ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.લોકોની માંગ છે કે પાણી પુરવઠા વિભાગ આ મામલાની ગંભીરતા સમજે અને યુદ્ધના ધોરણે પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ હાથ ધરે.જો વહેલી તકે આ ભંગાણ સરખું કરવામાં નહીં આવે,તો આગામી દિવસોમાં શહેરા અને ગોધરાના અનેક ગામોમાં પીવાના પાણીનું મોટું સંકટ ઊભું થઈ શકે છે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Botad News: સરકારી ગોડાઉનમાં ખાડો કરીને 120 બોરી ચણાની ચોરસ, 6 આરોપીની ધરપકડ



  • Follow us on: