જાંબુઘોડા : નવરાત્રિ એટલે આદ્યશક્તિ મા જગદંબાની આરાધના, ભક્તિ અને શક્તિની ઉપાસનાનું પાવન પર્વ. આ પવિત્ર દિવસોમાં માઈ ભક્તો માતાજીનાં દર્શનાર્થે શક્તિપીઠ પાવાગઢ તરફ્ પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે. ત્યારે પદયાત્રા કરીને જતા માઈ ભક્તોની સેવા કરવી એ પણ માતાજીની ભક્તિ સમાન છે. તેવા સેવાભાવ સાથે બોડેલીના હાલોલ રોડ પર મોહન નગર સોસાયટી પાસે બાપા સીતારામ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના નવ દિવસ સુધી મહાપ્રસાદીનું આયોજન કરાયું છે.બાપા સીતારામ મંડળના યુવાનો તેમજ બોડેલી નગરના સેવાભાવી યુવાનોના સહયોગથી યોજાતા આ સેવાયજ્ઞમાં પાવાગઢ ખાતે મા મહાકાળીનાં દર્શને જતા પદયાત્રીઓ અને માઈ ભક્તોને મહાપ્રસાદી પીરસવામાં આવે છે. માતાજીના દર્શન માટે લાંબી પદયાત્રા કરીને જતા શ્રદ્ધાળુઓને માર્ગમાં ભોજન-પ્રસાદ મળી રહે અને તેમની યાત્રા સુખદ બને તેવા ઉમદા આશય સાથે યુવાનો નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. 'સેવા એ જ સાચી ભક્તિ'ના ભાવ સાથે માતાજીના ભક્તોની સેવા મા મહાકાળી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને બાપા સીતારામ પ્રત્યેની આસ્થાને સેવાના કાર્ય સાથે જોડીને મંડળના યુવાનો દ્વારા કરવામાં આવતી આ કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતાજીનાં દર્શને જતા ભક્તોને પ્રેમપૂર્વક મહાપ્રસાદ પીરસીને યુવાનો સેવા, સમર્પણ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો