શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રિ પૂર્વે મહાકાળી માતાની જ્યોત લેવા આવેલા મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ભીખનગાવ તાલુકાના એકતાસા ગામના પગપાળા સંઘના માઈ ભક્તો માતાજીની જ્યોત લઈ પરત ફરતાં સમયે જાંબુઘોડા આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓનું સ્વાગત કરાયું હતું. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ભીખનગાવ તાલુકાના એકતાસા ગામના રામચંદ્ર માતાજી સહિતના અશોકભાઈ, પ્રદીપભાઈ, પ્રકાશભાઈ, સોનુભાઈ સહિતના માઈ ભક્તો નવરાત્રિ પૂર્વે પગપાળા સંઘ સાથે પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કરવા તેમજ માતાજીની જ્યોત લેવા આવ્યા હતા જેઓ માતાજીની જ્યોત લઈ પરત ફરતાં સમયે જાંબુઘોડા ખાતે વિસામો લીધો હતો, તેઓના જણાવ્યા મુજબ, પાવાગઢથી જ્યોત સાથે આશરે 450 કિ.મી.ની પગપાળા યાત્રા છે. માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા ભક્તોમાં જ્યોતને પોતાના ગામ સુધી લઈ જવાની વિશેષ આસ્થા જોવા મળે છે. મધ્યપ્રદેશમાં નવરાત્રી મહોત્સવને લઈને પણ ભારે ઉત્સાહ જોવા મળે છે. પાવાગઢથી માતાજીની જ્યોત લઈ જતા ભક્તો પોતાના ગામમાં પહોંચ્યા બાદ ગરબીચોકમાં જ્યોત પ્રસ્થાપિત કરી ગરબાનું આયોજન કરે છે.
