હાલોલથી અરાદને જોડતા મુખ્ય વ્યસ્ત માર્ગ પર આવેલા અભેટવા ગામ નજીક તંત્ર દ્વારા ગત ઉનાળામાં નાળું બનાવાયું હતું. આ નાળું હાલ વાહનચાલકો માટે સ્પીડ બ્રેકર જેવું બની ગયું છે, જેના લીધે અહીંથી પસાર થતા સેંકડો વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે. નિયમિત પસાર થતા વાહનચાલકોના જણાવ્યા અનુસાર, નાળાના નિર્માણ બાદ રોડ લેવલિંગ યોગ્ય રીતે કરાયું નથી. રાત્રિના સમયે અથવા દિવસે પણ પૂરઝડપે પસાર થતાં અજાણ્યા વાહનચાલકો આ અણધાર્યા બમ્પના કારણે સ્લીપ થવાના બનાવો બને છે. આ મુખ્ય માર્ગ પરથી આસપાસના ગામોના લોકો સતત અહીંથી પસાર થતાં રહે છે. સ્પીડ બ્રેકર જેવા બની ગયેલા આ નાળા પાસે કોઈ આગોતરી ચેતવણી આપતું બોર્ડ કે વ્હાઇટ પટ્ટા પણ દોરાયા નથી, જેથી નાળાનું લેવલિંગ કરવા માગ કરાઈ છે.
